અમદાવાદમાં સાસુ વહુના ઝગડાથી કંટાળી પતિએ છુટાછેડા માંગ્યા,પત્નીએ આપઘાતનો વિચાર આવતાં સુસાઈટ નોટ લખી
અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે અભયમ મહિલા હેલ્પલાઈન કાર્યરત છે. આ હેલ્પલાઈન દ્વારા મહિલાઓની સુરક્ષાને લગતાં અનેક પ્રકારના કેસ સોલ્વ કરવામાં આવ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં સાસુ વહુના ઝગડાથી કંટાળેલા પતિએ પત્નીને છુટા છેડા આપવા કહ્યું હતું. જેનાથી ડિપ્રેશનમાં આવેલી પત્નીએ આપઘાતનો વિચાર આવતાં જ સુસાઈટ નોટ લખી નાંખી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતા એક પરિવારમાં સાસુ અને વહુ વચ્ચે રોજ ઝગડાં થતાં હતાં.
જેનાથી કંટાળીને પતિ તેની પત્નીને પિયરમાં મુકી આવ્યો હતો. આ દરમિયાન પતિએ કંટાળીને પત્નીને છુટા છેડા લેવા માટે દબાણ કર્યું હતું. જેનાથી પત્ની ડિપ્રેશનમાં આવી ગઈ હતી. ડિપ્રેશનમાં તેને આપઘાતના વિચારો આવવા લાગ્યા હતાં. જેથી તેણે સુસાઈટ નોટ પણ લખી નાંખી હતી. આ બાબતે અભયમ હેલ્પલાઈનને ફોન કરતાં અભયમની ટીમે કોલના સ્થળે જઈને સમગ્ર બાબતને જાણી હતી.અભયમની ટીમને કોલ મળ્યો હતો કે, મારો પતિ મને છોડીને જતો રહેશે તો હું આત્મહત્યા કરી લઈશ. મને રોજ આત્મહત્યા કરવાના વિચારો આવી રહ્યાં છે. જેથી મારા પતિને સમજાવો. કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ કોલના સ્થળે પહોંચી હતી અને પત્નીની પુછપરછ કરી હતી. કોલ કરનાર પત્નીના લગ્ન 12 વર્ષ પહેલાં થયાં હતાં.
તેને એક પાંચ વર્ષનો દીકરો છે. પતિ સરકારી નોકરી કરે છે. લગ્નજીવન દરમિયાન સાસુ સાથે કામ બાબતે ઝગડા થવા લાગ્યા હતાં.ઝગડો મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાથી પતિ તેની પત્નીને પિયરમાં મુકી ગયો હતો. તે વારંવાર પત્નીને છુટા છેડા લેવા માટે દબાણ કરતો હતો. જેથી પત્ની ડિપ્રેશનમાં આવી જતાં આપધાતના વિચારો કરવા માંડી હતી. તેણે સુસાઈટ કરવા માટે ઉંદરની દવા સાથે રાખી હતી અને સુસાઈટ નોટ પણ લખી નાંખી હતી. આ અંગેની જાણ તેના પતિને થતાં તે પત્નીને મનોવૈજ્ઞાનિક ડોક્ટર પાસે લઈ ગયો હતો. બંને જણાને ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યાં સુધી સાથે રહેવા જણાવ્યું હતું. તેમ છતાં પતિ સાથે રહેતો નહોતો. અભયમની ટીમે પતિને બોલાવીને પત્ની અને પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. પતિને જણાવ્યું હતું કે તેની પત્ની હાલ માનસિક રીતે બિમાર છે. જ્યાં સુધી તેની સ્થિતિ સારી ના થાય ત્યાં સુધી સાથે રહો અને સ્વચ્થ થાય ત્યાર બાદ સાથે બેસીને રસ્તો કાઢજો. પતિએ અભયમની ટીમની વાત માનીને સાથે રહેવા તૈયાર થઈ ગયો હતો.