ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (09:48 IST)

ઝાંઝરી ધોધમાં ન્હાવા પડેલા અમદાવાદ 3 યુવકોએ જીવ ગુમાવ્યો, આખી રાત કરાઇ શોધખોળ

બાયડ તાલુકામાં આવેલ ઝાંઝરી ધોધ એક કરતા વધુ વખત લોકો ડૂબી ગયાના સમાચાર સામે આવે છે. ત્યારે અમદાવાદથી ઈદ મનાવવા આવેલા 3 યુવાનોના ડૂબી જવાથી શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. અમદાવાદના યુવાનો તહેવારના દિવસે ઝાંઝરી ધોધમાં નાહવા માટે આવ્યા હતા. પરંતુ યુવકો ડૂબતા સ્થાનિક લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ જતા આ ઘટનાની જાણ સ્થાનિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને તેમની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.
 
બાયડ મામલતદાર પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના બાપુનગરના આ યુવકો અહીં ફરવા આવ્યા હતા. જેમાંથી ઇસ્તિયા કમરૂભાઇ મન્સુરી, હસન ઇર્શાદભાઇ મન્સુરી અને ઇરફાન મન્સુરી વાત્રક નદીના ધોધમાં ન્હાવા પડ્યા હતા. ત્રણેય યુવકોની ઉંમર 20 થી 22 વર્ષની આસપાસ છે. આ અંગેની પ્રાથમિક વિગતો ડાભા ગામના સ્થાનિકો દ્વારા મળી હોવાનું પણ મામલતદારને જણાવવામાં આવ્યું હતું.
 
ઘટના બાદ સ્થાનિક ફાયર બ્રિગેડ તેમજ વિસ્તારના અનુભવી તરવૈયાઓએ યુવકોની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત્રે નદીમાંથી એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 2 યુવકોની શોધખોળ ચાલુ હતી. નદી ઊંડી હોવાથી તાત્કાલિક બચાવ કામગીરી માટે એનડીઆરએફ ટીમને બોલાવવામાં આવી હતી અને શોધખોળ બાદ પણ કોઈ બચાવ કામગીરી સફળ થઈ ન હતી.