ખેડબ્રહ્મામાં દોઢ વર્ષના પૌત્રને પછાડી પછાડી બોથડ પદાર્થ મારી હત્યા કરી
ખેડબ્રહ્મામાં એક સપ્તાહ અગાઉ દોઢ વર્ષના પૌત્રને બોથડ પદાર્થથી માથામાં ઇજા કરી અથવા પૌત્રને જમીન પર પછાડી મોત નિપજાવનાર દાદી સામે હત્યાનો ગુનો નોંધાતા પોલીસે હત્યારી દાદીની ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી છે.
ધૃણાસ્પદ બાબત એ છે કે બાળકનું પીએમ થઇ અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ દાદી તેમના પિયર જતા રહ્યા હતા અને પાડોશીઓ તથા પૌત્રએ ભાંડો ફોડતાં આખી બિના બહાર આવી હતી.મૂળ સિદ્ધપુરના કનેસરાના અને હાલ ખેડબ્રહ્મા સ્થાયી થયેલ મુકેશભાઇ ઉદાજી ચતુરજી ઠાકોરના પિતા દસેક વર્ષથી ક્યાંક જતા રહેલ હોઇ તેમની માતા ચંદ્રિકાબેન ઉર્ફે શીરમીબેને (રહે. કાળા ખેતરા) ખેડબ્રહ્માના વિજયભાઇ રાવલ સાથે બીજા લગ્ન કર્યા હતા. છ એક વર્ષ અગાઉ મુકેશભાઇના વાઘેશ્વરીના વીનાબેન કોદરવી સાથે લગ્ન થયા બાદ બે સંતાનો થયા હતા અને ત્રણેક માસથી વીનાબેન 4 વર્ષના ઋત્વિક અને દોઢ વર્ષના શૈલેષને મૂકીને પિયર વાઘેશ્વરી જતા રહ્યા હતા. મુકેશભાઇ મજૂરી કામે અવારનવાર રાજસ્થાન જતા હોઇ બંને બાળકોને તેમની માતા ચંદ્રિકાબેન પાસે મૂકીને જતા હતા.તા.24-01-22 ના રોજ સવારે મુકેશભાઇની બહેને ફોન કરીને જાણ કરી હતી કે ગત રાત્રે સાડા આઠ-નવેક વાગ્યે તારો દીકરો બીમાર પડતાં શ્વાસ છોડી દીધો હતો જેથી મુકેશભાઇ ઉદેપુરથી ખેડબ્રહ્મા સિવિલમાં પહોંચ્યા હતા. જ્યાં મોટા દીકરા ઋત્વિકના મોઢા પર તથા શરીરે ઇજાઓ જોવા મળી હતી અને નાના દીકરા શૈલેષને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો.
મુકેશભાઇની બહેન રેખાએ જણાવ્યું કે બંને છોકરા સાંજે ઘરની બહાર રમતા હતા અને અંધારૂ થતાં જમાડીને ખાટલામાં સૂવાડ્યા બાદ રાત્રે આઠેક વાગ્યે શૈલેષના મોઢામાંથી લાળ ટપકવા માંડી હતી અને મોત નિપજ્યુ હોવાનું માતા ચંદ્રિકાબેને જણાવ્યુ હતું. પી.એમ. થયા બાદ દીકરાની અંતિમવિધિ કરી હતી.આ બનાવ બન્યા પછી ચંદ્રિકાબેન તેમના પિયર કાળા ખેતરા જતા રહ્યા હોઇ મુકેશભાઇએ પડોશમાં રહેતા સીતાબેન કમજીભાઇ પારઘી, જીવતબેન ચેલાભાઇ, તારાબેન અશોકભાઇ વગેરેને પૂછતા જાણવા મળ્યું કે ચંદ્રિકાબેન અવારનવાર બંને બાળકોને મારતા હતા અને બનાવની રાત્રે પણ બંને બાળકોનો રડવાનો અવાજ આવતો હતો. જેથી મુકેશભાઇએ મોટા પુત્રને આ બાબતે પૂછતા દાદીએ મને માર્યુ અને બૂશી(શૈલેષ)ને મારી નાખ્યો કહેતા અને પ્રાથમિક પીએમ રિપોર્ટમાં પણ માથામાં ઇજા થવાથી મોતની આશંકા વ્યક્ત થઇ હોવાથી મુકેશભાઇએ તેમની માતા ચંદ્રિકાબેન સામે ભોંયતળીયે પછાડી અથવા બીજી કોઇ રીતે માથામાં ઇજા પહોંચાડી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના પિતા મુકેશભાઇએ પડોશમાં રહેતા સીતાબેન કમજીભાઇ પારઘી, જીવતબેન ચેલાભાઇ, તારાબેન અશોકભાઇ વગેરેને પૂછતા જાણવા મળ્યું કે ચંદ્રિકાબેન અવારનવાર બંને બાળકોને મારતા હતા અને બનાવની રાત્રે પણ બંને બાળકોનો રડવાનો અવાજ આવતો હતો.ખેડબ્રહ્મા પી,એસ.આઈ પી.પી.જાનીના જણાવ્યા અનુસાર મૃતક શૈલેષના ભાઈ ઋત્વિકને શરીરે ઇજાઓ હોવાથી શંકા ગઈ હતી અને આજુબાજુના જવાબો લેતાં ચંદ્રિકાબેન પર શંકા ગઈ હતી અને ત્યારબાદ પી.એમ રિપોર્ટ આવતા ચંદ્રિકાબેનને પકડી લાવી તપાસ કરતાં મહિલા ભાગી પડી હતી અને ગુનો કબૂલી લેતાં તેને અટક કરી જેલમાં મોકલી અપાઇ છે.