1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 4 માર્ચ 2023 (19:37 IST)

અમદાવાદમાં રેસ્ટોરન્ટ બિઝનેસના પાર્ટનરે 7.34 લાખની ઠગાઈ આચરી, કોફી મશીન 1.98 લાખનું ખરીદ્યું

અમદાવાદમાં ભાગીદારીમાં રેસ્ટોરન્ટ ખોલવાના નામે ઠગાઈ થયાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક આરોપી સામે રુપિયા 7.34 લાખની ઠગાઇની થઈ હોવાનુ સામે આવ્યું છે. પોલીસ ફરિયાદ પ્રમાણે શહેરમા ભાગીદારીમાં રેસ્ટોરન્ટ ખોલવા માટેના વિવિધ સાધનો ખરીદવા માટે ભાગીદારીમાં ભેગુ કરેલું ફંડ આપવા છતા આરોપી દ્વારા સાધનોના કોઈપણ પ્રકારના બીલ આપવામાં આવતા નહોતા. જેમા આરોપીએ ઓછા ભાવે સાધનો ખરીદી વિશ્વાસઘાત તથા છેતરપીંડી આચરી હોવાની તેના ભાગીદારે ફરીયાદ નોધાવી હતી. 
 
એક આરોપી સામે નોંધાઇ પોલીસ ફરિયાદ
પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરના બિમાનગર ખાતે રહેતા આશિલ બિપીનભાઈ શાહ ગુલબાઈ ટેકરા પાસે ભાગીદારીમાં  ASCO લાઉંજ એન્ડ મોર નામની રેસ્ટોરેન્ટ ચલાવે છે. જેમાં યશ અગ્રવાલ નામના વ્યક્તિ સાથે ભાગીદારી કરવામાં આવી હતી. યશ અગ્રવાલ છેલ્લા કેટલાક સમયથી કોઈ હિસાબ આપતો નહોતો તેમજ હોટલમાં કેટલીક ચીજોની ખરીદી બાબતના કોઈ બીલ પણ બતાવતો નહોતો. જેથી માર્ચ 2022માં આ રેસ્ટોરેન્ટનો ચાર્જ ફરિયાદી આશિલભાઈએ સંભાળી લીધો હતો. એ પછી ગત તા. 4 ડીસેમ્બર 2022ના રોજ આરોપીના પિતાએ રેસ્ટોરેન્ટ પર આવીને કોફી મશીન, તથા ટીવી મારી પાસેથી લીધા છે તેવુ કહીને લઈ ગયા હતાં. 
 
બિલો ચેક કરતાં ભાગીદારના હોશ ઉડી ગયા
આરોપી યશ અગ્રવાલે આશિલ બિપીનભાઈ શાહને જે હિસાબોનો ઈમેઈલ કર્યો હતો તે બીલમાં કોફી મશીનની કિંમત 1 લાખ 98 હજાર બતાવવામાં આવી હતી. પરંતુ જે બીલ મોકલવામાં આવ્યુ હતું તે બીલની નકલમાં 1 લાખ 55 હજાર 760 રુપિયા દર્શાવેલા હતા. આ ઉપરાંત આદિત્ય ઈક્વીપમેન્ટમાંથી બીજી અન્ય રુપિયા 7 લાખ 72 હજારની ખરીદી કરી હોવાનુ જણાવી બીજા પૈસા પડાવ્યા હતા. જો કે આ બાબતે આદિત્ય ઈક્વીપમેન્ટમા ખરાઈ કરતા તે બીલ 2 લાખ 36 હજારનું હતું. જેથી આશિલભાઈએ રુપિયા 7 લાખ 34 હજારની છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાની ફરિયાદ નોંધાવી છે.
 
7.34 લાખની ઠગાઇની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ બાબતે ફરિયાદી આશિલ બિપીનભાઈ શાહે યશ અગ્રવાલ પાસે સાધનોના બીલો માંગતા તેણે જે બીલ આપ્યા હતા તે બીલ અને તેણે આપેલા હિસાબમાં જે ભાવ લખ્યા હતા તે ખોટા હતા. તેથી બીલ બાબતે આદિત્ય ઈક્વીપમેન્ટમા ખરાઈ કરતા ખબર પડી કે અમારી સાથે છેતરપીંડી થઈ છે. જેથી ફરિયાદીએ રુપિયા 7,34,000 ની છેતરપીંડી અને વિશ્વાસઘાત થયાની ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલિસે યશ રાજેશભાઈ અગ્રવાલ વિરુદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.