ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 માર્ચ 2022 (10:34 IST)

લગ્નની લાલચ આપી ગુજરાતની IT ઇજનેર યુવતી સાથે મેનેજરે દુષ્કર્મ ગુજાર્યું

ગુજરાતની આઈટી એન્જિનિયર યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી પૂણેની એક આઈટી કંપનીના મેનેજરે તેની સાથે શારીરિક સંબંધ બાંધી દગો દીધો હતો. આ મામલે યુવતીએ આઈટી કંપનીના મેનેજર સહિત બે વ્યકિતઓ સામે દુષ્પ્રેરણા અને ધાકધમકી આપવા સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ મામલે હડપસર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પુનાની એક આઈટી કંપનીમાં નોકરી કરતી મૂળ ગુજરાતની યુવતીને તેની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા રાહુલ કુમાર સિંહ (રહે. ખરાડી,પુના)એ મિત્રતા કરી હતી. તે પછી રાહુલસિંહે યુવતીને પ્રેમ કરતો હોવાનુ કહ્યું હતું. જો કે યુવતીએ તેનો ઈન્કાર કર્યો હતો. આ સમયે રાહુલ કે જે પહેલાથી પરિણીતા છે તેણે યુવતીની સાથે લગ્ન કરવા માટે તે તેની પત્નીને ડિવોર્સ આપીને તેની સાથે લગ્ન કરવાની બાંહેધરી આપી હતી.આમ રાહુલસિંહે યુવતીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ યુવતીને અલગ અલગ હોટલો તથા ગેસ્ટહાઉસ વગેરે જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક સબંધો બાંધ્યા હતા. 
 
આ સિલસિલો લાંબા સમય સુધી ચાલ્યો હતો. દરમિયાન યુવતીએ રાહુલને તેની પત્નીને ડિવોર્સ આપી લગ્ન કરી લેવા માટે દબાણ કરતા રાહુલસિંહે તેને વાયદા આપવાનુ ચાલું કર્યુ હતું.લાંબા સમય સુધી યુવતીનો ઉપભોગ કર્યા બાદ પણ તેની સાથે લગ્ન ન કરતા યુવતીએ તેની સાથે દગો થઈ રહ્યો હોવાનુ જણાતા આ મામલે રાહુલને વાત કરી લગ્ન કરવાનું કહેતાં તે ઉશ્કેરાયો હતો અને તેની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન રાહુલે તેના મિત્ર માલવ આચાર્ય( રહે. અમદાવાદ) સાથે મળીને યુવતીના ચારિત્ર અંગે વાતો ફેલાવી તેને બદનામ કરીને યુવતીને એટલો ત્રાસ આપ્યો હતો કે યુવતી નોકરી છોડીને ગુજરાત આવી ગઈ અને પુનાના હડપસર પોલીસ સ્ટેશનમાં રાહુલકુમાર સિંહ અને તેના મિત્ર માલવ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી હતી.