શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (12:46 IST)

જમીન પોતાના નામે ન કરતા એકના એક પુત્રએ રૂ.10 લાખની સોપારી આપી પિતાની હત્યા કરાવી

પાટડી તાલુકાના નાના ગોરૈયાના ખેડૂતની ખેતરમાં ગળે ટૂપો દઈ ઘાતકી હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં આ મૃતક ખેડૂતનો એકનો એક પુત્ર પિતાની અંતિમયાત્રામાં હાજર ન રહેતા અનેક સવાલો ઉભા થયા છે.

પિતાને 115 વિધા જમીન હતી અને તે જમીન પિતા પુત્રના નામે ન કરતા હોવાથી બંને વચ્ચે તકરાર ચાલતી હતી ત્યારે ગામના એક યુવાનને દેણું થઇ જતા પુત્રએ તેનો સંપર્ક કરીને પિતાની હત્યા કરવા માટે રૂ.10 લાખની સોપારી આપી હતી. આથી આ યુવાને વાડીએ રહેતા ખેડૂતને ગળેફાંસો આપીને હત્યા કરી નાખી હતી. દસાડા તાલુકા પાટડી પોલીસ મથક હેઠળ આવતા સડલા ગામની સીમમાંથી નાના ગોરૈયા ગામના આધેડ ખેડૂત શાંતિલાલ બાબુલાલ પટેલનો એમના જ ખેતરની ઓરડીમાં ગળેટૂપો દીધેલી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવની જાણ થતા પાટડી પોલીસ તથા સુરેન્દ્રનગર એસ.પી. ડો. ગિરીશ પંડ્યા, ડીવાયએસપી જે.ડી.પુરોહિત અને પાટડી પીએસઆઇ એલ.બી.બગડા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમા મરનાર ખેડૂતને એક જ દીકરો હોવા છતા તે પિતાની સ્મશાન યાત્રામાં હાજર ન રહેતા પોલીસને શંકા ગઇ હતી.

પોલીસે શાંતિલાલના પુત્ર અમિતની અટકાયત કરીને પૂછપરછ કરતા ભાંગી પડેલા અમિતે હત્યા કેસની કડીબધ્ધ વિગતો આપી હતી. તેના જણાવ્યા અનુસાર તેના ગામમાં એક યુવાન રહે છે જેને દેણું થઇ ગયું હતું. આથી અમિતે તે યુવાનનો સંપર્ક કર્યો હતો. અને વાડીએ એકલા રહેતા પોતાના પિતાનું કામ તમામ કરવા માટે રૂ.10 લાખની સોપારી આપી હતી. આથી તે યુવાને ખેડૂતની ગળેટૂંપો દઇને હત્યા કરી નાખી હતી.તે સમયે તેનો દીકરો અમિત ત્યા હાજર રહયો ન હતો.