લોકસભાની ચૂંટણી ટાણે જ સરખેજના રોજા, જામા મસ્જિદની જાહેરાતો પ્રસિદ્ધ થશે?

વેબ દુનિયા|
P.R
ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલ ‘ખૂશ્બુ ગુજરાત કી’ એડ ફિલ્મના ફિલ્માંકન માટે ગુજરાતના પ્રવાસે છે. આજે તેમણે સુરેન્દ્રનગર-પાટડીના ઘુડખર અભયારણ્ય અને આજુબાજુના લોકેશન પર શૂટિંગ કર્યું હતું. રવિવાર અને સોમવાર બે દિવસ તેમનો મુકામ અમદાવાદમાં હતો. જ્યાં તેમણે અતિ સંવેદનશીલ કાલુપુર વિસ્તારમાં હેરિટેજ વોક, સ્વામિનારાયણ મંદિરના દર્શન, લો-ગાર્ડનનું ચણિયાચોળી બજાર અને ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.
શહેનશાહ અને ગુજરાત સરકાર વચ્ચેના સંબંધો તંગ બન્યા હોવાની અટકળો વચ્ચે લાંબા સમય સુધી ‘ખૂશ્બુ ગુજરાત કી’નું બાકીનું શૂટિંગ ટાળી રહેલા બિગ-બીએ એકાએક સમય ફાળવી ખાસ કરીને લઘુમતી સમાજના ધાર્મિક સ્થાનોમાં શૂટિંગ કરતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે.

અમિતાભ હરિવંશરાય બચ્ચન આ એડ ફિલ્મ દ્વારા મોદી સરકારે પ્રવાસન ક્ષેત્રે કરેલા વિકાસની પ્રસિદ્ધિ કરી રહ્યા છે. જેના કારણે ચોતરફ સરકારના કાર્યોની પ્રશંસા થઈ રહી છે. તેઓ અગાઉ અમદાવાદમાં શૂટિંગ કરી ચૂક્યા છે અને તે ફિલ્મ પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોમી સંવેદનશીલતાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ એવા કાલુપુર અને રિલીફ રોડ વિસ્તારના પ્રાચીન-પવિત્ર સ્થળો તેમજ જામા મસ્જિદ અને સરખેજના રોજામાં ફિલ્માંકન કરતા લોકસભાની ચૂંટણી ટાણે જ આ જાહેરાતો રિલિઝ કરવામાં આવે તેવી સંભાવના છે.
રાજકીય વર્તુળોના જણાવ્યા મુજબ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હોવાથી તેમણે મુસ્લિમ સમાજને પણ સાથે લેવો પડે તે બાબત સ્વભાવિક છે. રાજ્ય સરકાર લઘુમતી સમાજને અને તેમના ધર્મસ્થાનોને પણ બરાબરનું મહત્ત્વ આપી રહી છે તેવો સંદેશો સમગ્ર ભારતમાં વહેતો કરવા ‘ખૂશ્બુ ગુજરાત કી’ શ્રેષ્ઠ માધ્યમ છે અને કદાચ એ જ કારણસર લોકસભાની સંભવિત ચૂંટણીના ગણતરીના મહિના પહેલા લઘુમતી સમાજના ધર્મસ્થાનો સુધી બચ્ચનની ખૂશ્બુ પ્રસરાવવામાં આવી છે.


આ પણ વાંચો :