ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 26 મે 2014 (15:58 IST)

સત્તા અને જનતાનું તો આવું જ છે જેને જોઇએ છે તેને હડસેલે છે, જેને નથી જોઇતી તેને બેસાડે છે

નરેન્દ્ર મોદીને ક્યારેય સક્રિય રાજકારણમાં આવવું જ નહોતું, તેમને તો માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જ જોડાયેલા રહેવું હતું
 
સંઘના પ્રચારક અને BJPનો સંગઠનભાર સંભાળનારા નરેન્દ્ર મોદી સાથે એક ઘટના વર્ષો પહેલાં એવી ઘટી કે જેણે તેમનામાં ઝનૂનભેર આગળ વધવાની ઇચ્છા બળવત્તર રીતે ઊભી કરી દીધી. આજે તેઓ વડા પ્રધાન તરીકે શપથ લઈ રહ્યા છે ત્યારે તેમના જીવનના આ મહત્વના પ્રકરણ વિશે જાણીએ.
 
દેશના ભાવિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સક્રિય રાજકારણમાં આવ્યાને માંડ હજી સાડાતેર વર્ષ થયાં છે. આ તમામ વર્ષો તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાનપદની પોઝિશન પર રહ્યાં. હવે તેઓ દેશના વડા પ્રધાનપદ પર બેસવાના છે. બહુ જૂજ લોકોને ખબર છે કે નરેન્દ્ર મોદીને ક્યારેય સક્રિય રાજકારણમાં આવવું નહોતું, તેમને માત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જ જોડાયેલા રહેવું હતું; પણ કેટલીક ઘટનાઓ એવી બની જેણે નરેન્દ્ર મોદીને સક્રિય રાજકારણમાં લાવવાનું કામ કર્યું.
 
નેવુંના દશકની શરૂઆતમાં નરેન્દ્ર મોદી પર ગુજરાતની જવાબદારી હતી અને ગુજરાતમાં BJPને મજબૂત કરવાનું કામ તેમને સોંપાયું હતું. નરેન્દ્ર મોદીને આ કામ માટે ખેડૂત કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, સુરેશ મહેતા અને શંકરસિંહ વાઘેલાનો સાથ હતો. ૧૯૯૫માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે એમાં મોદીએ કેશુભાઈને પ્રમોટ કરવાનું સૂચન આપ્યું અને પટેલોને એક છત નીચે લઈ આવવાનું નક્કી કર્યું. વિચાર સફળ રહ્યો અને BJPની સ્થાપના પછી પહેલી વખત ગુજરાતમાં BJPની સરકાર આવી. જોકે એ પછી અંદરોઅંદર મતભેદ શરૂ થયા. સંઘ સાથે સંકળાયેલા એક સિનિયર પદાધિકારી આ આખી ઘટનાના સાક્ષી રહ્યા છે. તેઓ કહે છે, ‘કેશુભાઈની જે કાર્યરીતિ હતી અને તેમની આજુબાજુમાં રહેલા કેટલાક લોકો પાર્ટીના નાના માણસોનાં સાચાં કામ કરવા માટે પણ આર્થિક ફાયદો જોતા હતા એ જોઈને નરેન્દ્ર મોદીએ વીટો-પાવર વાપરીને પોતાની રીતે એ કામ કરાવવાનું શરૂ કર્યું. બન્યું એવું કે કેશુભાઈને માઠું લાગ્યું. મોદીએ તેમને સમજાવવાની કોશિશ કરી કે જે કામ સાચાં છે એ પણ તમારા સુધી પહોંચી નથી રહ્યાં અને આ જ કાર્યકરો થકી આપણી પાસે સરકાર આવી છે. જોકે કેશુભાઈએ એ પ્રકારની ફરિયાદ સંઘને કરી કે નરેન્દ્ર મોદી ગુજરાતના શાસનમાં દખલગીરી કરી રહ્યા છે.’
 
એક તો પહેલી વારની સરકાર અને બીજું, ખેડૂતનેતા તરીકે ગુજરાતમાં ઊભરી આવેલા મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ. સંઘે કેશુભાઈની ફરિયાદ પછી નરેન્દ્ર મોદી પાસે જવાબ માગ્યો, સાંભળ્યો અને એ પછી પણ કેશુભાઈની માગણીના ભાગરૂપે ૧૯૯૬માં તેમની હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં નિમણૂક કરીને તેમને ગુજરાતમાંથી દૂર કર્યા. મોદી ગુજરાતમાંથી નીકળ્યા ત્યારે તેમને આ બાબતની જબરદસ્ત પીડા હતી. જે ગુજરાતની સરકાર અપાવવામાં તેમનો મહત્વનો ફાળો હતો એ જ ગુજરાત અને BJPના નેતાઓ દ્વારા તેમની હકાલપટ્ટી થઈ હતી. ગુજરાત છોડતી વખતે નરેન્દ્ર મોદીએ સંઘને ચેતવ્યો હતો કે ગુજરાતમાં સત્તાની ભાગબટાઈને કારણે નેતાઓને પેટમાં દુખે છે. બન્યું પણ એવું જ. મોદીના ગયા પછી ચારથી છ જ મહિનામાં શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને BJPએ સરકાર ગુમાવવી પડી.
 
એ પછી ફરી કેશુભાઈ પટેલની સરકાર આવી, પણ કામગીરીમાં નિષ્ફળ જતાં એવી વ્યક્તિને ગુજરાત સોંપવાનું નક્કી થયું જે ગુજરાતથી વાકેફ હોય અને સરકારને સંભાળી શકે એમ હોય. શિસ્તબદ્ધ નેતાની જરૂર તાતી હતી. લાલ કૃષ્ણ અડવાણીએ સંઘના સુદર્શનજી પાસે નરેન્દ્ર મોદીનું નામ મૂક્યું અને સક્રિય રાજકારણથી દૂર રહેવાનો મનસૂબો રાખનારા મોદીની અનિચ્છા વચ્ચે પણ તેમને સત્તા સોંપવામાં આવી. એ સમયે ગુજરાતના ૮૦ ટકા BJPવાળા એવું કહેતા હતા કે જેને ગુજરાતમાંથી પાછા મોકલવા પડ્યા તેશું વળી શાસન કરવાના. મોદીનું ગુજરાત આવવું, સફળ શાસન કરવું અને એ શાસન પછી BJPને તોતિંગ જીત અપાવવાની સાથે દેશના વડા પ્રધાન બનવું. સંઘના સિનિયર નેતા કહે છે, ‘જેટલા લોકોને આ આખી રાજરમતની ખબર છે એ બધા તો એમ જ કહે છે કે નરેન્દ્ર મોદીએ હકારાત્મકતાથી બદલો લઈને તેમને ઉતારી પાડનારા અને ગુજરાતમાંથી દૂર ધકેલનારા લોકોની કાયમ માટે બોલતી બંધ કરી દીધી છે. ખુદ મોદી પણ તેમના અંગત લોકો સાથે આવી વાત થતી હોય ત્યારે હસે છે.’