ખેડૂતો માટે ખુશખબર: રાજ્ય સરકાર સ્થાપશે પ્રાકૃતિક ખેતીના 'મોડેલ કેમ્પસ', તાલીમ સાથે બિયારણ પણ મળશે
Natural Farming Training
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને તેનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના ચાર જિલ્લાઓમાં આધુનિક સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપવા માટે વર્ષ 2026-27ના બજેટમાંથી રૂ. 20 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ કેન્દ્રો દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા અને આ પદ્ધતિ અપનાવવા ઇચ્છતા ખેડૂતોને તાલીમ, ટેકનોલોજી અને માર્ગદર્શન એક જ સ્થળેથી પૂરું પાડવામાં આવશે.
પ્રથમ તબક્કામાં ચાર જિલ્લાઓની પસંદગી
યજનાના પ્રથમ તબક્કા હેઠળ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી, મોરબીના હળવદ, ભાવનગરના શિહોર તાલુકાના વળાવડ અને છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ચૂડેલ ગામ ખાતે આ કેન્દ્રો ઊભા કરવામાં આવશે. આ સમગ્ર યોજનાના અમલીકરણની જવાબદારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડને સોંપવામાં આવી છે. દરેક કેન્દ્રમાં એકસાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાય તેવી અદ્યતન આધુનિક વ્યવસ્થા ઊભી કરાશે.
પ્રાકૃતિક ખેતીના મોડેલ કેમ્પસ તરીકે વિકાસ
આ સ્થાપવામાં આવનારા કેન્દ્રો માત્ર તાલીમ આપવા પૂરતા મર્યાદિત ન રહેતાં પ્રાકૃતિક ખેતીના ઉત્કૃષ્ટ મોડેલ કેમ્પસ તરીકે કાર્ય કરશે. અહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી દરમિયાન આવતી વ્યવહારુ સમસ્યાઓના ઉકેલ પૂરા પાડવામાં આવશે. આ સાથે વિવિધ પ્રકારના બાયો-ઇનપુટ્સ તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપીને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે.
બાયો-ઇનપુટ્સનું ઉત્પાદન અને સસ્તી ઉપલબ્ધતા
આ કેન્દ્રો ખાતે ખેડૂતોને જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને નિમાસ્ત્ર જેવા જૈવિક ઇનપુટ્સ બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવવામાં આવશે. તાલીમ આપવાની સાથે આ કેન્દ્રો પર જ બાયો-ઇનપુટ્સનું મોટા પાયે ઉત્પાદન કરીને ખેડૂતોને ખૂબ જ નજીવા ભાવે ઉપલબ્ધ કરાવવાની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
બિયારણ, રોપા અને કલમોની સુવિધા
સેન્ટર ઑફ એક્સેલન્સ પરથી વિવિધ પાકોના શુદ્ધ બિયારણ, બાગાયતી પાકોના રોપા, કટીંગ્સ અને ઉત્તમ ગુણવત્તાની કલમો સહિતનું પ્લાન્ટિંગ મટિરિયલ સરળતાથી મળી રહેશે. આ ઉપરાંત ખેડૂતોને જમીનનું આચ્છાદન (મલ્ચિંગ) કરવા માટે ઉપયોગી સામગ્રી અને પદ્ધતિઓ અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
માટી પરિક્ષણ અને ખેતર સુધી પ્રત્યક્ષ તાલીમ
ખેડૂતો પોતાની જમીનની ગુણવત્તા સમજી શકે તે માટે માટી પરીક્ષણ અને પાકની ગુણવત્તા ચકાસણી અંગે માર્ગદર્શન અપાશે. કેન્દ્રના નિષ્ણાતો ખેડૂતોના ખેતર સુધી પહોંચીને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી, મિશ્ર પાક અને સહજીવી પાક પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન (ડેમોન્સ્ટ્રેશન) કરાવશે તેમજ જંતુ નિયંત્રણના કુદરતી ઉપાયો શીખવશે.
ખેતી ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો
સરકારના આ અભિગમથી ખેડૂતોને તાલીમ અને સાધન-સામગ્રી એક જ સ્થળે મળવાથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થશે. સાથોસાથ, પાકની કાપણી બાદની પ્રક્રિયા, મૂલ્યવર્ધન (Value Addition), પ્રોસેસિંગ, સંગ્રહ અને પેકેજિંગ અંગેની તાલીમ પૂરી પાડીને ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનોના વધુ સારા બજારભાવ મેળવવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરાશે.
