1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Breaking News

AMCનો મોટો નિર્ણય: ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ વિનાના બિલ્ડિંગ પ્રોજેક્ટ્સની મંજૂરી અટકશે

Ahmedabad News
Ahmedabad News
અમદાવાદમાં હાલમાં બિલ્ડિંગ પ્રોજેક્ટનું પૂર આવ્યું છે અને બિલ્ડરો પણ નફો રળી લેવાની ઉતાવળમાં ઘણીવાર નિયમોનું પાલન કર્યા વિના જ બિલ્ડિંગો ઊભી કરી દેતા હોય છે. પરંતુ હવે આ પ્રકારની બેદરકારી અને ઢીલાપણા સામે કડક નિયમો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી મંજૂરી આપતી વખતે ડ્રેનેજ અને વરસાદી પાણીના નેટવર્કને ખાસ ધ્યાને લેવામાં આવશે, અને જે પ્રોજેક્ટમાં નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોય તેની મંજૂરી અટકી શકે છે.

 

બોપલ, ઘુમા અને શેલામાં જળભરાવની ગંભીર સમસ્યા

તાજેતરમાં 23 અને 24 જુલાઈ દરમિયાન બોપલ, ઘુમા અને શેલા જેવા વિસ્તારોમાં 10થી 18 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે 300થી વધુ સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. બોપલ અને ઘુમાની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને આ પાણીનો નિકાલ કરવામાં પૂરા 3થી 5 દિવસ જેટલો સમય લાગ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, શેલાને વર્ષ 2009માં ઓડા (AUDA) હેઠળ આવરી લેવાયું હતું, તેમ છતાં 15 વર્ષ વીતી જવા છતાં અહીં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી.

અબજોના પ્લાન છતાં વિલંબ અને મનપાની નવી નીતિ

વર્ષ 2024માં ઓડા દ્વારા ઘુમા, શેલા, ગોધાવી અને મણિપુર વિસ્તાર માટે રૂ. 134 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન અને રૂ. 240 કરોડના ખર્ચે ડ્રેનેજ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. આમ છતાં, હજુ સુધી આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ શક્યું નથી જેના લીધે ચોમાસામાં જળભરાવની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને, મનપા હવે આગામી સમયમાં એવો કડક પ્લાન બનાવી રહી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની ગોઠવણ ન હોય ત્યાં સુધી તેને મંજૂરી ન આપવી. જોકે, આ અંગે હજુ સત્તાવાર નિર્ણય લેવાનો બાકી છે.
 
આગળનો લેખ
અમદાવાદમા ગાર્ડે અગાશી પર વિદ્યાર્થીની પર કર્યુ દુષ્કર્મ, 90 મિનિટ પછી પરત ફર્યો, CCTV એ ખોલ્યુ આખુ કાંડ