ભાજપ જ આખી જાદુગરોની ટોળકી છે: ભરતસિંહ સોલંકી
અમિત શાહ રાહુલ ગાંધી વિશે બોલવા સિવાય કોઇ કામ કરતા નથી. ભાજપ આખી જ જાદુગરોની પાર્ટી છે, ખોટા વચનો આપવા સિવાય કોઇ કામ કરતી નથી, એવો આક્ષેપ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાતને પર્યટન સ્થળ માની લીધું છે, તેઓ દર ત્રણ દિવસે અહીં આવી જાય છે. મેં તેમના આટલા ભાષણો સાંભળ્યા, પરંતુ તેમનો મુદ્દો શું છે, એ જ નથી સમજાતું એવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાવનગરમાં કરેલા આક્ષેપોનો જવાબ આપતા કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે સોંલકીએ વધુમાં જણાવ્યું તું કે, ભાજપના રાજમાં અનેક સૈનિકો માર્યા ગયા.
મોટી મોટી વાતો કરનારા પીએમ આ મામલે ચૂપ છે. નેપાળ સાથેના સંબંધો પણ બગડી ગયા છે અને ચીનની સરહદે શું પરિસ્થિતિ છે, એ આપણે સૌ જાણીએ છીએ. આવી સ્થિતિ કૉંગ્રેસના શાસનમાં ક્યારેય જોવા મળી નથી. તેમણે કૉંગ્રેસની ઉમેદવારોની અંગે વાત કરતાં કહ્યું હતું કે, રણનીતિના ભાગરૂપે હવે ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જ જાહેર કરવામાં આવશે. કૉંગ્રેસે રવિવારે રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જે પછી ચારે બાજુથી તેમણે ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બીજી ૧૩ ઉમેદવારોની જાહેર કરાયેલી યાદીમાં જૂના યાદીના ચાર નામોનું પરિવર્તન પણ કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં કૉંગ્રેસે છેલ્લી ઘડીએ નામ જાહેર કરવાની રણનીતિ નક્કી કરી હોય એમ લાગે છે. જોકે આવું બધું તો ચાલ્યા કરે, યાદી વહેલી જાહેર કરી દેવી જોઈએ તેમ અનેક લોકોનું માનવું છે.