શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (11:39 IST)

ભાજપ માટે ગામડાના મતદારો ચિંતાનો વિષય, શહેરો પર વધુ મતદાતાઓ પર નજર

ભાજપે વિજય માટે ઐતિહાસિક કહી શકાય એવો ૧૫૧ બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, ગુજરાતની સ્થાપનાથી માડીને અત્યાર સુધીમાં કોઇપણ રાજકીય પક્ષ ૧૫૧ બેઠકો જીતી શક્યો નથી ત્યારે ગુજરાત વિધાનસભાની અગાઉની છ ચૂંટણીઓ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના દેખાવનો આધાર લઇએ તો આ વિસ્તારોમાં લક્ષ્યાંક મુજબ કાઠું કાઢવું એ સત્તાધારી પક્ષ માટે કપરાં ચડાણ સાબિત થઇ શકે છે. હાલમાં વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાંથી ગ્રામ્ય વિસ્તારોની બેઠકોની સંખ્યા ૯૮ છે. આથી ૧૫૧ બેઠકોનો લક્ષ્યાંક પાર કરવો હોય તો ભાજપને ટકાવારીની દ્રષ્ટિએ ૮૧ બેઠકો જીતવી પડે. હકીકત એ છે કે આ વિસ્તારોમાં ભાજપ આ છ ચૂંટણીમાંથી ૨૦૦૨ની ચૂંટણીમાં વધુમાં વધુ ૭૫ બેઠકો જીત્યું હતું. આમ ગામડાઓ સર કર્યા વિના ભાજપ ૧૫૧ના લક્ષ્યાંકને પાર પાડવો અઘરો છે.

ગુજરાત વિધાનસભા ૨૦૧૨ની ચૂંટણી નવા સિમાંકન મુજબ થઇ હતી. ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણી જુના સિમાંકન મુજબ થઇ હતી. નવા સિમાંકન બાદ શહેરી વિસ્તારોમાં બેઠકો વધી હતી તો ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો ઘટી હતી. આમ શહેરમાં જ્યાં ભાજપનો દબદબો છે તેવી બેઠકો વધી હતી જ્યારે ભાજપનો દબદબો નથી ત્યાં બેઠકો ઘટી હતી છતાં ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં કુલ ૯૮ ગ્રામ્ય બેઠકોમાંથી ભાજપને ૫૦ બેઠકો મળી હતી જે કુલ બેઠકોના  ૫૧ ટકા બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને ૪૪ ટકા બેઠકો એટલે કે ૪૩ બેઠકો મળી હતી. આવી જ રીતે ૨૦૦૭ની ચૂંટણીમાં કુલ ૧૧૫ ગ્રામ્ય બેઠકોમાંથી ભાજપને ૬૪ બેઠકો એટલે કે ૫૬ ટકા જ્યારે કોંગ્રેસે ૪૬ બેઠકો એટલે કે ૪૦ ટકા બેઠકો મેળવી હતી. ૨૦૦૨ની ચૂંટણીમાં કુલ ૧૧૫ ગ્રામ્ય બેઠકોમાંથી ભાજપે ૭૫ બેઠકો એટલે કે ૬૫ ટકા બેઠકો મેળવી હતી. આમ મોદીના નેતૃત્ત્વમાં લડાયેલી પહેલી ચૂંટણીમાં આ ટકાવારી ખૂબ જ ઊંચી હતી, જે પછીની ચૂંટણીઓમાં ઘટતી ગઇ છે. ૨૦૦૨માં કોંગ્રેસે ૧૧૫ ગ્રામ્ય બેઠકોમાંથી જીતેલી બેઠકોનો આંક ૩૭ બેઠકો એટલે કે ૩૨ ટકા જેટલો જ હતો. આ પહેલાની ૧૯૯૮, ૧૯૯૫ અને ૧૯૯૦ની ચૂંટણીમાં ભાજપે અનુક્રમે ૬૨, ૬૭ અને ૫૭ બેઠકો એટલે કે ૫૪ ટકા, ૫૮ ટકા અને ૪૯ ટકા બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસે અનુક્રમે ૪૪, ૩૫ અને ૫૮ એટલે કે ૩૮ ટકા, ૩૦ ટકા અને ૫૧ ટકા બેઠકો મેળવી હતી. ૧૯૯૦ની ચૂંટણીમાં ભાજપ અને જનતાદળે સંયુક્ત રીતે ૫૭ બેઠકો જીતી હતી અને તે સમયે આ યુતિ સત્તા પર આવી હતી. આમ છતાં આ ચૂંટમીમાં કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારમાં આ યુતિ કરતાં એક બેઠક વધુ જીતી હતી.