શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2017 (11:47 IST)

સ્મૃતિ ઈરાની અને વજુભાઈ ચર્ચામાં પણ રૂપાણી ફરી સીએમ બને તેવી સંભાવનાઓ

આગામી 25 ડિસેમ્બરના રોજ ભાજપ રાજ્યમાં સરકાર રચી  આ વખતે પણ મુખ્યપ્રધાન તરીકે વિજય રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ જોવા મળી શકે છે. ભાજપના સૂત્રો મુજબ પીએમ મોદીની હાજરીમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભવ્ય શપથ સમારોહનું આયોજન કરવામાં આવશે.  આ ઉપરાંત તે જ દિવસે વડાપ્રધાન અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું પણ ઉદ્ઘાટન કરશે. જોકે બીજા પણ કેટલાક નામો મુખ્યમંત્રીની રેસમાં હોવા ચર્ચાઈ રહ્યા છે.

જેમ કે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની અને મોદીના કેબિનેટ પ્રધાન પુરુષોત્તમ રુપાલા.  જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને આ ચૂંટણીમાં જીવનદાન મળ્યું છે. રાહુલ ગાંધીના સતત ગુજરાત પ્રવાસ અને મંદિર મુલાકાતો તેમજ હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની સહાય સાથે કોંગ્રેસ 77 જેટલી બેઠકો મેળવવામાં સફળ રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ચૂંટણી પહેલા જ આ મુખ્યમંત્રી કોણ સવાલનો જવાબ કદાચ આપી દીધો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યમાં પક્ષ મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાાં જ ચૂંટણી લડી રહ્યું છે. જેના દ્વારા સ્પષ્ટ સંકેત મળ્યા છે કે નવી સરકારમાં પણ આ બંને હોદ્દા પર જુના પરિચિત ચહેરા જ જોવા મળશે.   જ્યારે એવી પણ ચર્ચાઓ હતી કે રાજ્યમાં દલિત અને આદિવાસી જાતીની વધુ સંખ્યાને જોતા ભાજપ આ જાતિના કોઈ દિગ્ગજને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. વડગામથી અપક્ષ વિજેતા દલિત આગેવાન જિગ્નેશ મેવાણીની સામે ભાજપ પોતાનો આ દલિત અને આદિવાસી ચહેરો રજૂ કરી શકે છે. જ્યારે પાટીદાર ફેક્ટરને ધ્યાને રાખી મોદી કેબિનેટના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયા અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ખેતી પ્રધાન પુરુષોત્તમ રુપાલાનું નામ પર ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનું નામ પણ તાજેતરમાં ચર્ચામાં આવ્યું છે. વજુભાઈ વાળા કર્ણાટકના ગવર્નર છે અને ભાજપના વરિષ્ટ OBC નેતા છે. રાજ્યમાં 45%થી વધુ OBC સમાજ છે ત્યારે વજુભાઈ મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. તેઓ ગુજરાત રાજ્યના ભાજપ એકમના પ્રમુખ હતા તેટલું જ નહીં પરંતુ રાજ્યના નાણાંપ્રધાન તરીકે પણ ખૂબ લાંબી સેવા આપી ચૂક્યા છે. જ્યારે મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ પણ ચર્ચા છે. તેઓ મહિલા હોવા ઉપરાંત ગુજરાતમાં સૌથી જાણિતો ચહેરો છે અને ચૂંટણી દરમિયાન પણ તેમણે અનેક રેલીઓને ગુજરાતીમાં સંબોધી હતી.