શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : બુધવાર, 20 ડિસેમ્બર 2017 (10:14 IST)

પ્રથમ દિવસથી જ કામ કરવાનું શરૂ, જિજ્ઞેશ મેવાણીએ વડગામનાં ખરાબ રસ્તાઓને લઈને કલેકટરને આપ્યું આવેદનપત્ર

યુવા આંદોલનકારી નેતા જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે વડગામથી ચુંટણી જીતીને વિધાનસભામાં પહોંચવામાં સફળ થયાં છે. ઘણાં ઉમેદવારો હજુ જીતની ઉજવણીમાંથી બહાર નથી આવ્યાં ત્યારે જીજ્ઞેશ મેવાણીએ એમની આદત મુજબ કોઈપણ જાતનો સમય બગડ્યા વગર જીતનાં પ્રથમ દિવસથી જ કામ શરુ દીધું હતું. આજે પાલનપુર કલેકટર કચેરી ખાતે જીજ્ઞેશ મેવાણીએ પોતાના સમર્થકો સાથે વડગામનાં ખરાબ રસ્તાઓ મામલે આવેદનપત્ર આપ્યું હતું. વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અગાઉ વચન આપેલ તે મુજબ આજે પાલનપુર કલેકટર કચેરી ખાતે આવેદન આપીને ગામડાઓમાં રસ્તા બનાવવાની માંગણી કરી હતી.


મેવાણીએ જણાવ્યું હતું કે વડગામના નવા શેરપુરા, અશોકગઢ, નવાં પાંડવા, કાલેડા, વરણાવાડા, કરસનપુરા વગેરે ૧૫ ગામોના રોડ રસ્તા ખરાબ છે અને ત્યાં એમ્બ્યુલન્સ પણ જઈ શકે તેવી સ્થિતિમાં નથી. જેથી તાત્કાલિક ધોરણે ત્યાં રસ્તા બને તેમજ નાગરિકોને સ્વાસ્થ્ય સેવા મળી શકે. મેવાણીએ ૧૫ દિવસના સમયગાળામાં રોડ રસ્તા બનાવવામાં નહિ આવે તો આંદોલન કરીશું તેમ પણ જણાવ્યું હતું. ગુજરાતનાં ઈતિહાસમાં આ ઘણી વિરલ ઘટના છે કે કોઈ આંદોલનકારી અપક્ષ ચુંટણી લડીને જંગી બહુમતીથી જીત્યો હોય. આમ ગુજરાતે પણ આ વખતે પણ દેશને એક રાહ બતાવી છે કે સક્ષમ અને સારો ઉમેદવાર જીતવો જોઈએ. આમ પ્રથમ દિવસથી કામ ચાલુ કરીને જીજ્ઞેશે લોકોના દિલ જીતી લીધું છે.