બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2017 (16:59 IST)

સ્થિતિ કફોડી થતી હોવાની વિજય રૂપાણીની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

સીએમ રુપાણીની એક કથિત ઓડિયો ક્લિપ સોમવારથી વ્હોટ્સએપ પર ધડાધડ શેર થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં એક જૈન આગેવાનને અપક્ષ તરીકે ભરેલું પોતાનું ફોર્મ પાછું ખેંચવા મનાવી રહ્યા છે, અને પોતે પણ જૈન હોવાનું તેને જણાવી રહ્યા છે. રુપાણી આ ક્લિપમાં એવું બોલતા પણ સાંભળી શકાય છે કે, આખા ભારતમાં હું એક જ જૈન મુખ્યમંત્રી છું. આપણા બધાની સ્થિતિ, અને ખાસ તો મારી સ્થિતિ કફોડી થઈ રહી છે. સુરેન્દ્રનગરમાં આપણે લડવાનું ન હોય, ફોર્મ પાછા જ ખેંચવાના હોય.આ કથિત ક્લિપમાં રુપાણી જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે તે વ્યક્તિ નરેશભાઈ શાહ હોવાનું કહેવાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક પરથી આ વખતે સિટિંગ જૈન ધારાસભ્ય વર્ષાબેન દોશીને કાપી કડવા પાટીદાર એવા ધનજી પટેલને ટિકિટ આપવામાં આવી છે, જેની સામે સ્થાનિક જૈનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ધનજી પટેલને ટિકિટ આપવા સામે વિરોધ વ્યક્ત કરવા માટે પાંચ જૈનોએ અપક્ષ ફોર્મ ભર્યું હતું. જોકે, તે તમામ પર કથિત રીતે ફોર્મ પાછી ખેંચી લેવા ઉપરથી પ્રેશર આવ્યું હતું. તેવામાં રુપાણીની ફોર્મ પાછું ખેંચવા માટે નરેશભાઈ શાહને કહી રહ્યા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં તે ચર્ચાસ્પદ બની હતી. જોકે, નરેશ શાહનો દાવો છે કે, આ ક્લિપ ફેક છે, અને તેમણે આ અંગે સુરેન્દ્રનગર ક્રાઈમ બ્રાંચ સમક્ષ ફરિયાદ પણ કરી છે.