ગાંડા વિકાસનો આશા વર્કરો ઘરે ઘરે જઈને પ્રચાર કરશે પત્રિકાઓ વહેંચશે
રાજ્યભરની આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઇને સરકાર સામે આંદોલન શરુ કર્યું હતુ. જેમાં વડદોરા ખાતે 36 દિવસ સુધી કલેક્ટર કચેરી ખાતે ભુખ હડતાલ ઉપર બેસી જુદી જુદી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જેથી એક તબક્કે સરકાર પણ હચમચી ઉઠી હતી અને લધુત્તમ વેતનની જગ્યાએ નજીવો વેતન વધારો કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરતા આશા વર્કરો રોષે ભરાઇ હતી. જેથી હવે તમામ આશા વર્કર બહેનો ઘરે ઘરે ફરી ભાજપને ઘર ભેગી કરવાની અપીલ કરશે અને હું શોષિત છું, હું ગુજરાત છું, હું દુખી છું, હું પરેશાન છું, ગાંડા વિકાસનો હું શિકાર છું, ની પત્રિકા વિતરણ કરી ભાજપને વોટ નહી આપવા મતદારોને સમજાવશે.
વડોદરા ખાતેની કલેક્ટર કચેરી ખાતે 36 દિવસ સુધી ભુખ હડતાળ પર ઉતરનાર અને રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર બંગડીઓ ફેકનાર કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિના મહિલા અગ્રણી ચંદ્રીકાબેન સોલંકીને એમની શિક્ષિકા તરીકે નોકરીમાંથી બરતરફ કરી નાખવામાં આવ્યાં હતા. જેથી રાજ્યભરની આશા વર્કર બહેનો દ્વારા ભાજપની ગૌરવ સંપર્ક યાત્રા સામે ભાજપની વાસ્તવિકતા ગુજરાતની જનતા સમક્ષ દર્શાવવા માટે 30,000 આશા વર્કરો ડોર ટુ ડોર જઇ પત્રિકા વિતરણ કરી ભાજપને ઘર ભેગી કરવાના નિરધાર સાથે દર્શન યાત્રા કાઢશે. જોકે આશા વર્કરોની દર્શના યાત્રાની શરૂઆત આજે વડોદરાથી શરુ કરવામાં આવી હતી. જ્યાં વાઘોડીયા રોડ પર ભાજપ વિરોધી પ્રચાર પત્રીકા વિતરણ કરતી 50 જેટલી આશા વર્કરોની પોલીસ અટકાયત કરી લેતા આશા વર્કરોનો રોષ વધુ ઉગ્ર બની રહ્યો છે. અત્યાર સુધી આશા વર્કરો ઘરે ઘરે જઇ સ્વાઇન ફ્લૂ, મેલેરીયા જેવી ગંભીર બિમારીઓનો સર્વે કરતી હતી. પરંતુ હવે આજ બહેનો મહિલાઓના થતા શોષણ અને પોતાના હક માટે સરકાર બદલવાના નિર્ધાર સાથે ઘરે ઘરે જઇને ગુજરાતની સાચી વાસ્તવિકતાનુ ચિત્ર રજૂ કરતી પત્રિકા વહેંચી ભાજપને વોટ ના આપવા સમજાવશે.