ગુજરાતમાં મતોનું ધૃવિકરણ રોકવા કોંગ્રેસના મક્કમ પ્રયાસો. નિવેદનબાજીમાં પણ કાળજી લેવાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એવો કોઇ મોકો આપવા નથી માંગતી કે જેથી ભાજપ મોટો મુદો બનાવી તેની વિરૂધ્ધ મતોનુ ધ્રુવીકરણ કરાવી શકે. આ માટે પ્રચાર દરમિયાન નિવેદનબાજીમાં પણ કાળજી રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ ખાસ કરીને લઘુમતીઓને લઇને ભારે સાવચેતીપુર્વક પગલા લઇ રહી છે આ જ કારણ છે કે રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન હજુ સુધી લઘુમતી સાથે જોડાયેલા મુદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પક્ષના વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે આ અમારી એક રણનીતિનો હિસ્સો છે.
ગત લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ પક્ષ પોતાની છબી બદલવા માંગે છે. ગુજરાતમાં ૩૪ બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા ૧પ ટકા છે. ગત ચૂંટણીમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણને કારણે આમાંથી ર૧ બેઠકો ભાજપે જીતી હતી. કોંગ્રેસને માત્ર ૧ર બેઠકો મળી હતી અને એક બેઠક એનસીપીના ખાતામાં ગઇ હતી. એવામાં આ વખતે કોંગ્રેસ પોતાની રણનીતિ બદલી રહ્યુ છે. પક્ષમાં એ બાબત પર સહમતી છે કે, વર્તમાન બે ધારાસભ્યો ઉપરાંત કોઇ લઘુમતી ઉમેદવારને ઉતારવામાં ન આવે. પક્ષના એક નેતાના કહેવા મુજબ ગુજરાતમાં લઘુમતીઓ પણ મતોના ધ્રુવીકરણને રોકવાના અમારા પ્રયાસોને સમજી રહ્યા છે. આ જ કારણ છે કે રાહુલની યાત્રા અને રેલીઓમાં મોટીસંખ્યામાં લઘુમતીઓ ઉમટી રહ્યા છે.