મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 11 નવેમ્બર 2017 (12:05 IST)

અમિત શાહ સાથે એક કરોડની વાત થયાનો હાર્દિકના સાથી નરેન્દ્ર પટેલનો દાવો

થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયાના કલાકોમાં પક્ષમાંથી રાજીનામું આપનારા હાર્દિકના સાથી નરેન્દ્ર પટેલે વધુ એક ધડાકો કર્યો છે. નરેન્દ્ર પટેલે ભાજપ છોડતી વખતે દાવો કર્યો હતો કે, ભાજપે તેને પોતાની સાથે જોડાવવા એક કરોડ ઓફર કર્યા હતા, અને પટેલે પ્રેસ કોન્ફરન્સમાં રોકડા પૈસા પણ બતાવ્યા હતા. તેમણે શુક્રવારે  ઠક્કરનગરમાં એક સભામાં જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે પણ તેમની આ અંગે વાત થઈ હતી, જેનો પુરાવો તેમની પાસે છે.

નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ‘મિત્રો આપણે વરુણ પટેલ અને વાઘાણીનો એક બોમ્બ તો ફોડી દીધો, પણ એમનો એક બીજો મોટો બોમ્બ મારા ખિસ્સામાં પડેલો છે. મિત્રો, પણ હમણા ફોર્મ ભરાઈ જવા દો, મૂરતિયાઓ તૈયાર થઈ જવા દો, અમિત શાહે મારી સાથે જે વાત કરી છે, એ બોમ્બ હું ફોડવાનો છું, અને જ્યારે એ બોમ્બ નીકળશે ત્યારે અમિત શાહને ગુજરાતનો નક્શો ભૂલાઈ જશે.’નરેન્દ્ર પટેલે નીતિન પટેલે આપેલા નિવેદનને પણ વખોડ્યું હતું, જેમાં તેમણે પાસ અને હાર્દિકને કોંગ્રેસના એજન્ટ કહ્યા હતા. પટેલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જો ભાજપને 50થી વધારે બેઠક મળશે તો હું નિકોલમાં પગ નહીં મૂકું. મહેસાણામાં આ વખતે નીતિન પટેલની ડિપોઝિટ જપ્ત થવાની છે. ઠક્કરનગરમાં હાર્દિકે સભા સંબોધતા જણાવ્યું હતું કે, મારો વિરોધ કરનારા ભાજપ યુવા મોરચાના જ લોકો છે, જે જય સરદાર જય પાટીદાર લખેલી ટોપી પહેરીને મારો વિરોધ કરી રહ્યા છે. હાર્દિકે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, સમાજના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્તાવાળા કંઈ કરતા નથી, માટે અમે વિરોધ પક્ષના લોકોને મળવા ગયા, જેનાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું. હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણીમાં ફંડ આપવા માટે સ્કૂલોની ફી પણ વધારી દેવાઈ છે. હાર્દિકે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા, જિજ્ઞેશ મેવાળી રાહુલને મળ્યા તેનો તેમના સમાજમાં કોઈએ વિરોધ ન કર્યો, પણ મારો વિરોધ કરવા લોકો તૈયાર જ બેઠા છે.