અલ્પેશ ઠાકોર કોંગ્રેસમય થવાથી 40 બેઠકોનો ફાયદો કરાવશે
કોંગ્રેસ અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતાને પોતાના પક્ષમાં સમાવીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 40 જેટલી બેઠકો પર કબજો કરવાનું વિચારી રહી છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી પોતે ઠાકોર છે અને માને છે કે અલ્પેશ એકલા હાથે આ 40 બેઠકો પર કોંગ્રેસ તરફી જુવાળ ઉભો કરવામાં સફળ થશે. જાતી આધારિત રાજકીય સ્થિતિ જોઈએ તો પણ સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, ખેડા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અરાવલ્લી જેવા જિલ્લાઓની 40-45 બેઠકો પર ઠાકોર મત નિર્ણાયક સ્થિતિમાં છે. હાર્દિક પટેલની આગેવાનીમાં પટેલોએ OBC અનામત માટે મોટાપાયે આંદોલન શરુ કર્યું તો અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઠાકોરોએ પોતાના અનામતને યથાવત રાખવા માટે વિરોધમાં આંદોલન લોન્ચ કર્યું હતું.
અલ્પેશ દ્વારા રચવામાં આવેલ ગુજરાત ઠાકોર ક્ષત્રિય સેનાનું પોતાની જ્ઞાતિમાં પ્રભાવ ખૂબ વધુ હોવાનું માનવામાં આવે છે. ઓબીસી, એસટી, એસી એક્તા મંચના કો-કન્વિનર અને અલ્પેશ ઠાકોરના સહાયક મુકેશ ભરવાડે કહ્યું કે, ‘આ ફક્ત ઠાકોરની વાત નથી અલ્પેશના પ્રભાવથી અન્ય અનામત જાતીઓ પણ એક મંચ પર આવી છે અને આ રીતે અમે 70 બેઠકો પણ વિજય મેળવવા સક્ષમ છીએ.’સમાજશાસ્ત્રી ગૌંરાંગ જાની કહે છે કે ગુજરાતની કુલ વસતીમાં SC(7%), ST(15%) અને OBC (40%) એકસાથે મળીને 63% જેટલી ટોટલ જનસંખ્યા બને છે. ઠાકોર સમાજનું કોંગ્રેસમાં ભળવું ઉત્તર ગુજરાતમાં ભાજપના તમામ ગણીતને ખોટું પાડી શકે છે.