ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (13:44 IST)

શું શંકરસિંહ વાઘેલાની ગોળગોળ વાતોના કારણે તેઓ BJPના સૂત્રધાર બનશે?

શંકરસિંહ વાઘેલા ‘બાપુ’ દ્વારા અગાઉ કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ હવે તેમના નજીકના ભવિષ્યના રાજનીતિક નિર્ણય અંગે કોઈ શંકા બાકી રહી નથી. તેમણે અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં સામેલ થશે નહીં. પરંતુ વિધાનસભામાંથી રાજીનામું આપવા માટે અધ્યક્ષ રમણલાલ વોરાને મળવા ગયેલા ‘બાપુ’ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે નજરે પડ્યા હતા. આ બાદ શંકરસિંહ દ્વારા BJPના બીજા મોરચાની કમાન સંભાળવામાં આવશે તે નિશ્ચિત છે.   શંકરસિંહને જ્યારે ખ્યાલ આવ્યો કે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં તેમને કોંગ્રેસના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરવામા આવે ત્યારે તેઓએ પક્ષ છોડવાનો નિર્ણય લીધો. હવે તેઓ ઈચ્છે છે કે BJP દ્વારા તેમના સમર્થક 14 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવે. આ સિવાય તેઓ પોતાના સમર્થકો માટે NCP પાસેથી પણ ટિકિટ મેળવવાનો પ્રયાસ કરશે. રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે,’જ્યારે મેં અધ્યક્ષને મારું રાજીનામું સ્વીકારી લેવા જણાવ્યું ત્યારે બની શકે કે તેમણે મુખ્યમંત્રીને જાણ કરી હોય તેવું બની શકે. જો કે આ સમય કેબિનેટ મિટિંગનો પણ હતો. હું મને અપાયેલ સન્માન માટે મુખ્યમંત્રી વિજય રુપાણી, નિતીન પટેલ, પ્રદિપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર વ્યક્ત કરું છું. હું વિધાનસભાના છેલ્લા સત્રમાં તો હાજર નહોતો રહી શક્યો પરંતુ હવે હું ગુજરાતના વિકાસ માટે કામ કરીશ.’ જ્યારે તેમને કોઈ રાજ્યના ગવર્નર બનાવી દેવાની વાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘હું એક ગવર્નર જ છું તેમજ મારે ગવર્નર જેવો જ એક ઘર પણ છે.’ જ્યારે તેમને પૂછવામા આવ્યું કે તેમના રાજીનામા સમયે BJPનેતાઓની હાજરીને તેમના BJP તરફી વલણનું સૂચન માનવું કે કેમ તો તેમણે જવાબ આપ્યો કે, ‘મેં પહેલાથી સ્પષ્ટ કરી દીધું છે કે હું કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાવાનો નથી. જોકે હું સક્રિય રાજનીતિમાં ચોક્કસ રહીશ’