રાહુલ ગાંધીની સભા ટાણે કોંગ્રેસમાં કેસરીયો ખેસ પહેરાતાં ચર્ચા, સભામાં જઈ રહેલ બસ પલટી
માંડવી ખાતેની જિલ્લા ભાજપ કારોબારીની બેઠક મળી હતી. જેમાં માંડવી નગરપાલિકાના કોંગ્રેસ કોપૉરેટર દિલીપભાઈ પટેલ તથા ઉર્મિલાબેન ચૌધરીએ ભાજપનો કેસરીયા ધારણ કર્યો હતો. જેથી રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીની ડેડીયાપાડાની મુલાકાતના દિવસે જ કોંગ્રેસના ગઢ ગણાતા માંડવીમાંથી બે નેતાઓએ ભાજપની કંઠી બાંધી હતી. રાહુલ ગાંધી ડેડિયાપાડાની મુલાકાતે આવી રહ્યાં છે. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસનું ઘણા દાયકાઓથી વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધીની મુલાકાત અગાઉ જ માંડવીના નગરપાલિકાના કાર્પોરેટરે પંજાનો સાથ છોડી દેતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. બારડોલી સાંસદ પ્રભુદાસ વસાવા, નવસારી સાંસદ સી.આર.પાટીલ સહિતના ભાજપની નેતાઓની અધ્યક્ષતામાં દિલીપભાઈ અને ઉર્મિલાબેને ભાજપની કંઠી પહેરતાં ભારે રાજકીય ચર્ચા ચાલી રહી છે.દેડીયાપાડા ખાતે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંકશે. તેઓ બપોરે 1 વાગ્યે APMCના મેદાનમાં જાહેરસભાને સંબોધિત કરશે. રાહુલ ગાંધીની સભા સાંભળવા માટે ગુજરાતમાં લોકો ઉમટી પડ્યા હતાં જોકે સવારે રાહુલ ગાંધી સભામાં જતાં કાકરાપાર નહેર પાસે ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં 35 વ્યક્તિઓ સવાર હતાં જેમાંથી 15ને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે વ્યારાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ તમામ લોકો વ્યારાના કપુરા ગામના રહેવાસી હતાં. વ્યારાના કપુરા ગામના લોકો દેડિયાપાડા ખાતે રાહુલ ગાંધીની સભામાં જઈ રહ્યા હતાં. જેમની બસ કાકરાપાર નહેર પાસે પલટી ખાઈ ગઈ હતી. જેમાં 35 વ્યક્તિઓ સવાર હતા જેમાંથી 15 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે વ્યારાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.