શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 23 ડિસેમ્બર 2017 (14:59 IST)

ગાંધીનગર વિધાનસભા સંકુલ ખાતે 12:39ના 'વિજય' મુહૂર્તે શપથવિધિનું આયોજન

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના નામની જાહેરાત બાદ હવે ભાજપની સરકાર 26મી ડિસેમ્બરે શપથ લેશે. ગાંધીનગર વિધાનસભા સંકુલ ખાતે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા રિવરફ્રન્ટ અને સરદાર પટેલ સ્ટેડિયમના નામ ચાલી રહ્યા હતા. પરંતુ વિધાનસભા સંકુલ બહાર જ શપથવિધિનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિજય રૂપાણી અને નીતિન પટેલ 12:39 કલાકે શપથગ્રહણ કરશે. શપથગ્રહણ સમારંભમાં બીજેપી શાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદી પણ આ શપથગ્રહણ સમારંભમાં હાજર રહેશે. કેન્દ્રીય મંત્રીમંડળને પણ આ શપથગ્રહણ સમારંભમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. વિજય રૂપાણી ચોથા આવા મુખ્યમંત્રી બનશે જે સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. નીતિન પટેલને સતત ત્રીજી વખત નસિબે દગો આપ્યો છે. મોદી પીએમ બનીને દિલ્હી ગયા ત્યારે એવી સંભાવના હતી કે નીતિન પટેલને સીએમ પદ મળશે. જોકે, એ વખતે આનંદીબેન પટેલને સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બીજી વખત જ્ચારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે છેલ્લી ઘડી સુધી સીએમ તરીકે નીતિનભાઈનું નામ ચાલ્યું હતું. પરંતુ અંત સમયે વિજય રૂપાણીના નામની જાહેરાત સીએમ તરીકે કરવામાં આવી હતી. છેલ્લી ચૂંટણી પછી પણ એવી ચર્ચા હતી કે નીતિન પટેલને સીએમ બનાવવામાં આવી શકે, પરંતુ આ વખતે પણ તેમના ડેપ્યુટી સીએમના જૂના પદથી જ સંતોષ માનવો પડ્યો હતો.