આ વખતે કાંકરિયા કાર્નિવલની થીમ હેરિટેજ આધારિત હશે, મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા

Kankaria Carnival
Last Modified શનિવાર, 23 ડિસેમ્બર 2017 (13:12 IST)

વિધાનસભા ચૂંટણી બાદ યોજાઇ રહેલાં કાંકરીયા કાર્નિવલનાં ૧૦માં વર્ષની ઉજવણી હેરિટેજ થીમ આધારિત કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહી કાર્યકરોનો ઉત્સાહ વધારે તેવી ધારણા સેવાઇ રહી છે. મેયર ગૌતમ શાહે કાંકરીયા કાર્નિવલની વિગતો આપતાં કહયું કે, દર વર્ષની જેમ આ વર્ષે યોજાનારા કાર્નિવલની વિશેષતા એ છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૮માં શરૂ કરાવેલાં કાર્નિવલનાં નવ વર્ષ પૂરા થયા છે અને દસમા વર્ષમાં પ્રવેશ થતો હોવાથી તેમજ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનુ બિરૂદ પ્રાપ્ત થયુ છે તેથી કાર્નિવલની અલગ ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે.

તેમાં મુખ્યત્વે કાર્નિવલની ઉજવણી હેરિટેજ થીમ ઉપર કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં વધુ વિગતો આપતાં મેયરે કહયું કે, કાંકરીયા લેકફ્રન્ટમાં દર વર્ષે યોજાતાં પરંપરાગત અને રાબેતા મુજબનાં કાર્યક્રમો તો યોજાશે જ તેની સાથે સાથે હેરિટેજ થીમ મુજબ શહેરનાં વિવિધ દરવાજા સહિતની પ્રતિકૃતિઓ મુકવામાં આવશે.
હેરિટેજ સિટી જાહેર થયેલાં અમદાવાદનાં વિવિધ સ્થળોએ પણ ઉજવણી કરવાનાં નિર્ણયનાં ભાગરૂપે ૨૬મી તારીખે ભદ્ર પ્લાઝા ખાતે શેડો પરફોર્મન્સ, અમદાવાદ શહેર ઉપરનાં ગીતો તથા સુફી સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવશે.
માણેકચોકમાં ૨૮-૨૯ તારીખે પોળ પોળ અમદાવાદની ઓળખ પોળ વિષયને લઇ નાટક ભજવવામાં આવશે. હેરિટેજ થીમ ઉપર ઉજવણીની સાથે લેકચર સીરીઝ ઓન હેરિટેજનુ આયોજન કરવામાં આવ્યુ છે તેવી માહિતી આપતાં મેયરે કહયું કે, ૨૬મીએ એએમએ ખાતે, ૨૭મીએ એલ.ડી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી ખાતે, ૨૮મીએ એએમએ ખાતે તથા ૨૯મીએ નવરોજી હોલ ખાતે નિષ્ણાત પ્રોફેસરો દ્વારા પ્રવચન સહિતની જાણકારી આપવામાં આવશે. કાંકરીયા કાર્નિવલમાં ઉમટતાં લાખો નાગરિકોની સુરક્ષા માટે પગલા લેવાઇ રહયાં છે અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવશે તેમ કમિશનર મુકેશકુમારે જણાવ્યું હતું.આ પણ વાંચો :