સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 ડિસેમ્બર 2017 (12:02 IST)

કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા MLAને ચૂંટણીમાં ભાજપે જ હરાવ્યા

રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં કોંગ્રેસના ધારાસભ્યોમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલાં સાતમાંથી પાંચ ધારાસભ્યોનો પરાજય થયો છે. ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડેલાં આ ધારાસભ્યોને હરાવવા માટે ભાજપના સ્થાનિક નેતાઓ-આગેવાનોએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું છે.  અમદાવાદ જિલ્લાની વિરમગામની બેઠકના ઉમેદવાર તેજશ્રીબેન પટેલ, માણસાના અમિત ચૌધરી, જામનગરના રાઘવજી પટેલ, ઠાસરાના રામસિંહ પરમાર અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણને પક્ષપલટો કરવાની કિંમત પરાજયથી ચૂકવવી પડી છે.

ભાજપની વિજયકૂચ ૯૯ બેઠકે અટકી ગઈ છે ત્યારે જો આ ધારાસભ્યોને જીતાડવામાં ભાજપનું સ્થાનિક સંગઠન કામે લાગ્યું હોત તો વિધાનસભામાં ૧૦૫ બેઠક સાથે ભાજપનો દબદબો જોવા મળ્યો હોત તેવું કહેવામાં અતિશયોક્તિ નથી.  ભાજપના મોવડીમંડળ દ્વારા નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબ માણસામાંથી અમિત ચૌધરી, જામનગર-ગ્રામ્યમાંથી રાઘવજી પટેલ, વિરમગામમાંથી ડો.તેજશ્રીબેન પટેલ, ઠાસરામાંથી રામસિંહ પરમાર, બાલાસિનોરમાંથી માનસિંહ ચૌહાણ, ગોધરામાંથી સી.કે.રાઉલજી અને જામનગર ઉત્તરમાંથી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોએ બહારથી આવેલાં આ ઉમેદવારોને સ્વીકાર્યા નહોતા. એટલું જ નહીં, આ ધારાસભ્યો જીતે નહીં તે માટે ખુલ્લેઆમ કામ કર્યું હોવાની ફરિયાદ ભાજપના મોવડીમંડળને કરવામાં આવી છે. ચૂંટણી હારેલાં ધારાસભ્યો કહે છે કે, અમારી સ્થિતિ થોડા સમય પહેલાં જે સાથીઓ હતા તેમની સામે લડવાનું હતું, પરંતુ નવા સાથીઓ તરફથી આ લડાઈમાં સહકાર મળ્યો નહીં, ઉપરથી હરાવવા માટેના પુરા પ્રયાસો થયા હતા. માણસામાં પાટીદાર ફેક્ટરની આડમાં ભાજપના આગેવાનોએ અમિત ચૌધરીની વિરુદ્ધમાં કામ કર્યું તો વિરમગામમાં તો માંડલના પૂર્વ ધારાસભ્યએ એક મંત્રીના ઈશારે હીરાપુરા અને દોલતપુરામાં પાટીદારોની ખાનગી બેઠક બોલાવીને તેજશ્રીબેનને હરાવવાની યોજના પાર પાડી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આવી જ સ્થિતિ જામનગર-ગ્રામ્યમાં જોવા મળી છે. રાઘવજી પટેલ પાટીદાર સમાજના હોવાછતાં ભાજપના સ્થાનિક કાર્યકરોએ ખેડૂતોના પોષણક્ષમભાવ, દેવામાફી વગેરે જેવા મુદ્દાની આડમાં રાઘવજી પટેલને હરાવવામાં કોઈ કસર છોડી ન હતી. ઠાસરા અને બાલાસિનોરમાં પાટીદાર ઈફેક્ટ નહોતી પરંતુ જ્યારથી આ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારથી સ્થાનિક ભાજપમાં નારાજગી હતી.