બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2017 (12:57 IST)

કોંગ્રેસની સરકાર આવે તો મુખ્યમંત્રીની પસંદગી ધમાકેદાર થશે

ગુજરાતમાં  ૯ અને ૧૪ ડીસેમ્બરના મતદાન પછી ૧૮ ડીસેમ્બરે પરિણામ વખતે કોંગ્રેસને બહુમતી મળે તો નવા મુખ્યમંત્રી કોણ ? તે સવાલ રસપ્રદ બની રહ્યો છે તેવા સંજોગોમાં સંભવિત ભાવિ મુખ્યમંત્રી તરીકે ગાજતા નામો ઉપરાંત અન્ય એક બે નામોની પ્રબળ શકયતા ડોકાઇ રહ્યાનું આધારભુત વર્તુળો જણાવે છે. કોંગ્રેસે એવા નામવાળા  મહાનભાવોને અત્યારે ટીકિટ આપી નથી પરંતુ બહુમતી ધરાવતા પક્ષ ગૃહમાં ચૂંટાયેલ ન હોય તેવી વ્યકિતને પણ મુખ્યમંત્રી તરીકે પસંદ કરી શકે છે. તેમણે ૬ મહિનામાં ધારાસભ્ય પદ મેળવવુ ફરજીયાત હોય છે. ભૂતકાળમાં  નરેન્દ્ર મોદી પહેલા મુખ્યમંત્રી બનેલા અને પછી ગૃહમાં ચૂંટાયા હતાં. ભાજપ જો ચૂંટણી પૂર્વ મુખ્યમંત્રીનું નામ જાહેર કરે તો કોંગ્રેસ પણ તે દિશામાં વિચાર કરી શકે છે. કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળે તો   ભરતસિંહ  સોલંકી, શકિતસિંહ ગોહીલ, સિધ્ધાર્થ પટેલ,  તુષાર ચૌધરી, પરેશ ધાનાણી, અર્જુનભાઇ મોઢવાડીયા જેવા નામો મુખ્યમંત્રીપદ માટે ઉપસે તે સ્વભાવિક છે. કયા વિસ્તાર અને વર્ગમાંથી કેટલી બેઠકો મળે છે તે બાબત મુખ્યમંત્રી નકકી કરતી વખતે ધ્યાને  લેવાશે.  દિલ્હી દરબારમાં ખૂબ માન ધરાવતા ટેકનોલોજી ક્ષેત્રના નામાંકીત નિષ્ણાંતનું નામ ચર્ચામાં આવ્યું છે. તેઓ ગુજરાતની રાજનીતિથી સારી પેઠે વાકેફ છે. ઉપરાંત અન્ય એક પાટીદાર શ્રેષ્ઠીનું નામ પણ ચર્ચાઇ રહયુ છે તેઓ કાયદા ક્ષેત્રના તજજ્ઞ ગણાય છે. અને ભુતકાળમાં ખૂબ સન્માનનીય સ્થાન પર કામગીરી કરી ચૂકયા છે. બન્નેનું સૌરાષ્ટ્ર સાથે અતૂટ જોડાણ છે. બિલકુલ ધમાકેદાર ગણાય તેવી પસંદગી કરીને કોંગ્રેસ દેશવ્યાપી અલગ પ્રકારનો જ  સંદેશ આપવાની સાથે એક કાંકરે અનેક પંખી મારે તો નવાઇ નહિં. ભાવિના  ગર્ભમાં શું છૂપાયું છે ? તે જાણવા માટે થોડા દિવસ રાહ જોવી પડશે.