રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (16:39 IST)

ગુજરાતમાં ભાજપના વાવાઝોડામાં આ બેઠકો પર મોટો અપસેટ સર્જાયો

gujarat election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે આ વખતે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પરંતુ બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસમાં આ વખતે પણ જબરદસ્ત અપસેટ સર્જાયા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. તે ઉપરાંત ભાજપના સતત જીતતા ઉમેદવારોને પણ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસનો ગઢ કહેવાતા વિસ્તારોમાં પણ ભાજપે બાજી મારી છે.

કોંગ્રેસના પરેશ ધાનાણી, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દિન શેખ સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ભાજપના ચીમન સાપરિયા, જવાહર ચાવડા, રમણ પટેલ જેવા નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ પાદરા અને વાઘોડિયા જેવી બેઠકો પર પણ મોટો અપસેટ જોવા મળ્યો છે. અહીં મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ ભાજપે ટીકિટ નહીં આપતા અપક્ષમાં ચૂંટણી લડ્યાં હતાં. પરંતુ પાદરા બેઠક પર ભાજપની જીત થઈ છે અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જીતી ગયાં છે. એક તરફ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી હારી ગયાં છે અને વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણ પરથી અલ્પેશ ઠાકોરનો વિજય થતાં રાજકીય પંડિતોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ વખતે ભાજપની વિરોધમાં લહેર હતી પરંતુ ભાજપના ધુંવાધાર પ્રચાર અને વડાપ્રધાનના સતત પ્રચારને લીધે ભાજપે આ વખતે જંગી જીત મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતુ ખોલાવ્યું છે. બીજી તરફ માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા આ વખતે હારી ગયાં છે. આ બેઠક પર કોંગ્રેસના અરવિંદ લાડાણી જીત્યાં છે. જ્યારે જામ જોધપુર બેઠક પર પણ મોટો અપસેટ સર્જાયો છે. જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંત આહિર જીત્યાં છે. જ્યારે ઉત્તર ગુજરાતની ધાનેરા બેઠક પર પણ અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.

બોરસદ બેઠક પર ભારત દેશની આઝાદી બાદ આ વખતે ભાજપને જીત મળી છે. ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત તરફ આગળ વધતાં જ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટેલિફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. નવી સરકારની શપથવિધી આગામી 11મી ડિસેમ્બરે યોજાશે. શપથવિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. હાલમાં ભાજપના કાર્યકરો જીતની ભવ્ય ઉજવણી કરી રહ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હાઉસ ધ જોશ લખીને ટ્વિટ કર્યું હતું.