ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (11:22 IST)

કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે કહ્યું, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ

mumtaz patel
ગુજરાત કોંગ્રેસના ચાણક્ય કહેવાતા સ્વ અહેમદ પટેલની વિદાય બાદ ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાની પ્રથમ ચૂંટણી લડી રહી છે. અહેમદ પટેલના માર્ગદર્શન હેઠળ લડાતી ચૂંટણીમાં આ વખતે તેમની ખોટ સાલી છે. ત્યારે કોગ્રેસના સ્ટાર પ્રચારકો પણ આ વખતે જાહેર પ્રચારમાં ખૂબ જ ઓછા જોવા મળ્યા છે. આજે  ભરૂચમાં મતદાન દરમિયાન અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે મીડિયા સાથેની વાતચિત દરમિયાન કહ્યું કે, આ વખતે લોકો સ્થાનિક મુદ્દાઓને લઈને મત આપશે. રાજ્યના લોકોમાં ઘણી નારાજગી જોવા મળી છે તેથી જો કોઈ બીજું જીતે છે તો તે જીત કાંઈક બીજી રીતે જ થઈ હોઈ શકે છે.
 
ગુજરાતમાં જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રહેશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વખતે સ્થાનિક મુદ્દાઓ વધારે છે. આ પ્રકારના મુદ્દાઓને લઈને મને આશા છે કે લોકો કોંગ્રેસને મત આપશે અને સારુ મતદાન કરશે. મને જોઈને લોકો અહેમદ પટેલને યાદ કરે છે. નારા લગાવે છે. આજે તેમની ખોટ સાલી રહી છે. હવે મુમતાઝ અહેમદ પટેલ જ મારી ઓળખ છે. ભરૂચની દીકરી મને કહેવાય છે. ભરૂચ અને અહેમદ પટેલથી મને ઓળખવામાં આવે છે. મને પુરી આશા છે કે ઘણું સારુ પરિણામ આવશે.આમ આદમી પાર્ટી કેટલીક જગ્યાઓ પર જરૂર પ્રભાવ છે પરંતુ ગુજરાતમાં જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રહેશે.
 
કોંગ્રેસનો મેનિફેસ્ટો પણ અહેમદ પટેલની નજર હેઠળ તૈયાર થતો
 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો હતો. ઘણાં વર્ષો પછી કોંગ્રેસે ભાજપને ટફ ફાઇટ આપી હતી. આ ચૂંટણીના થોડા મહિના પહેલાં જ અહેમદ પટેલે અતિ મુશ્કેલ રાજ્યસભાની ચૂંટણી જીતી હતી. અહેમદભાઈની સ્ટ્રેટેજી અને પાટીદાર આંદોલનને કારણે ભાજપનો વિજય અઘરો બન્યો હતો. કોંગ્રેસનો ચૂંટણી મેનિફેસ્ટો પણ અહેમદભાઈની નજર હેઠળ તૈયાર થયો હતો. જીતી શકે એવા ઉમેદવારોની યાદી પણ અહેમદ પટેલે નક્કી કરી હતી. 
 
હાઇકમાન્ડ વચ્ચે અહેમદ પટેલ સેતુ સમાન હતા
કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને દિલ્હી હાઇકમાન્ડ વચ્ચે અહેમદ પટેલ સેતુ સમાન હતા. ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવારોને આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે એની કાળજી પટેલ રાખતા હતા. નારાજ થયેલા ટિકિટ વાંચ્છુકોને પ્રેમથી સમજાવીને મનાવી લેવાની અદ્ભુત આવડત અહેમદભાઈમાં હતી. હવે તેમની વિદાય થઈ ચુકી છે. જેથી કોંગ્રેસ પાસે હવે કોઈ કદાવર નેતા નથી. આ વખતે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં દેખાતા નથી. રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતની ચૂંટણીમાં ધ્યાન આપી રહ્યાં નથી. ત્યારે કોંગ્રેસ માટે તો આ વખતે કપરા ચઢાણ છે એ વાત નક્કી.