1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (12:51 IST)

Jamkandorana Assembly Seat - સૌરાષ્ટ્રની ચાર પાટીદાર બેઠકો પર વડાપ્રધાન મોદીની સભા સીધી જ અસર કરશે

modi ji
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા PM નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.વડાપ્રધાન મોદીનો આજે ત્રીજો દિવસ છે. મોદી આજે જયેશ રાદડિયાના ગઢમાં જંગી સભા સંબોધવા જઈ રહ્યા છે.પીએમની સભાથી રાજકોટ જિલ્લાની 4 બેઠકો પર સીધી અસર થશે. જેમાં ધોરાજી-ઉપલેટા, જેતપુર જામ કંડોરણા, ગોંડલ, રાજકોટ ગ્રામ્યની બેઠકનો સમાવેશ થાય છે.


જામકંડોરણા ભૌગોલિક રીતે સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે. રાજકોટ જિલ્લામાં આવેલા જામકંડોરણામાં પીએમ મોદીની સભાથી રાજકોટ જિલ્લાની 4 બેઠકોને સીધી અસર થઈ શકે છે. તમામ બેઠક પર લેઉઆ પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. સૌરાષ્ટ્રનું કેપિટલ ભલે રાજકોટ કહેવાય પણ સૌરાષ્ટ્રનું પોલિટિકલ એપિસેન્ટર તો જામકંડોરણા જ રહ્યું છે. રાજકોટથી 75 કિલોમીટર દૂર આવેલ પાટીદાર સમાજના કદાવર નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાનું વતન જામકંડોરણામાં સાત જિલ્લાની જનતા સરળતાથી પહોંચી શકે છે. અહીં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી અને ભાવનગરના લોકો સરળતાથી પહોંચી શકે છે. આ સાતેય જિલ્લાઓમાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. બીજુ જામકંડોરણાથી લેઉવા પટેલ સમાજના કુળદેવીનું મંદિર ખોડલધામ 50 કિલોમીટરના અંતરે આવેલું છે, તો કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર સીદસર 54 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉપરાંત જૂનાગઢના ગાઠિલા ગામમાં આવેલું ઉમિયા માતાજીનું મંદિર પણ જામકંડોરણાથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. જામકંડોરણામાં સભા થાય તો આ બેઠકો પર  તેની સીધી અસર થઈ શકે છે.આ કારણોસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી સભા માટે જામકંડોરણાની પસંદગી કરી હોવાનું કહેવામાં આવે છે.