મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (14:18 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આપને આંચકો! 600 આદિવાસી નેતા અને વર્કર્સ ભાજપમાં સામેલ

ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી જીતવા માટે તનતોડ પ્રયાસ કરી રહેલી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રાજ્યમાં મોટો ઝટકો લાગ્યો છે. દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર અને વડોદરાના આદિવાસી જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) ના 600 થી વધુ નેતાઓ અને કાર્યકરો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
 
દાહોદમાં કોંગ્રેસના 400થી વધુ કાર્યકરો અને AAP અને BTPના કેટલાક કાર્યકરો હતા. જેમાં ઝાલોદ નગરપાલિકાના આઠ કાઉન્સિલરો પણ સામેલ હતા. કોંગ્રેસ પ્રમુખ સોનલ ડીંડોર, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉમેશ શાહ, પૂર્વ પ્રમુખ યશપાલસિંહ ઠાકોર, ગુજકોમાસોલના ડાયરેક્ટર નયના શાહ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા હતા.
 
જિલ્લાની ત્રણેય બેઠકો જેતપુર, સંખેડા અને છોટાઉદપુર આદિવાસીઓ માટે અનામત છે, જેમાં છોટાઉદેપુર અને જેતપુર કોંગ્રેસ પાસે છે, જ્યારે સંખેડા બેઠક ભાજપ પાસે છે. છેલ્લી બે ચૂંટણીમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા જેતપુર બેઠક પરથી જ્યારે મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી જીતી રહ્યા છે. બંને કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી આદિવાસી નેતાઓ છે.
 
સુખરામ રાઠવાએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષે સહકારી નેતા ઉમેશ શાહને ધમકી આપવા સત્તાનો દુરુપયોગ કર્યો હોઈ શકે છે. તે સહકારી મંડળીના નિયામક છે, જિલ્લા અથવા રાજ્ય સહકારી રજીસ્ટ્રારને સોસાયટીમાં કેટલીક અનિયમિતતા મળી શકે છે, જેનો તે તેમની વિરુદ્ધ ઉપયોગ કરી શકે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ ભાજપમાં નહીં જોડાય તો તેઓ જેલમાં જશે, તેથી તેઓ મજબૂરીમાં ભાજપમાં જોડાયા હશે.
 
જિલ્લા કોંગ્રેસના આગેવાન કાજલભાઈ રાઠવાએ આક્ષેપ કર્યો છે કે ઉમેશભાઈના ભાભી નયના શાહ તાજેતરમાં ભાજપના મેન્ડેટ પર ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા, ત્યારથી સ્પષ્ટ થયું હતું કે ઉમેશભાઈ પણ ભાજપ સામેલ થશે.
 
ઉમેશ શાહે જણાવ્યું હતું કે, કોઈ સરકારી એજન્સી કે વિભાગનું કોઈ દબાણ નથી, પરંતુ હું કોંગ્રેસ પક્ષનો જિલ્લા પ્રમુખ હતો ત્યારે પણ ભાજપે મારી ભાભી નયનાબેનનું નામ ગુજકોમાસોલના ડિરેક્ટર તરીકે મૂક્યું હતું. પાર્ટીએ મારા અને મારા પરિવારમાં વિશ્વાસ મૂક્યો હતો, તેથી મેં તેમાં જોડાવાનું નક્કી કર્યું. મને કોંગ્રેસ કે તેના નેતાઓ સામે કોઈ ફરિયાદ નથી. તેનાથી વિપરિત બંને રાઠવા સાથે મારો કૌટુંબિક સંબંધ જેમ છે તેમ યથાવત રહેશે.