ગુજરાત દિન નિમિત્તે રૂ.૧૬૦૦ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

gujarat din
Last Modified સોમવાર, 1 મે 2017 (15:00 IST)

તા.૧મે એ આપણું ગૌરવવંતુ ગુજરાત તેનો પ૭મો સ્થાપના દિવસને આનંદ-ઉલ્લાસભેર ઉજવી રહ્યું છે. મુંબઇ પ્રાંતમાંથી ગત તા.૧ મે, ૧૯૬૦એ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી. આ મંગળ દિને રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણીનો અવસર અમદાવાદના આંગણે જાજરમાન રીતે થઇ રહ્યો છે.
રૂપાણી દ્વારા આજે સવારથી જ ગુજરાત ગૌરવ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણીનો શાનદાર રીતે પ્રારંભ કરાયો હતો. મહાગુજરાત ચળવળના પ્રણેતા અને તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુથી પણ ઉત્કટ લોકચાહના મેળવનાર સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઇન્દુચાચાની નહેરુબ્રિજના છેડે સરદારબાગ સામે આવેલી પ્રતિમાને સવારે ૮-૩૦ કલાકે ભાવભીની પુષ્પાંજલિ અર્પિત કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વ. ઇન્દુચાચાના ગુજરાત રાજ્યની સ્થાપના માટેના અમૂલ્ય યોગદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે સવારે ૮-૪પ વાગ્યે લાલ દરવાજા ખાતેના નવા હોમગાર્ડ ભવનનું કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લાલ દરવાજાના સરદાર બાગ ખાતે જનસભાને સંબોધી ત્યાંથી જગન્નાથ મંદિર ખાતે શ્રવણ તીર્થ યાત્રા યોજનાના પ્રારંભ કરવા રવાના થયા હતા.

રાજ્ય સરકારની પવિત્ર તીર્થધામોનો પ્રવાસ કરાવતી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને બસ ભાડામાં પ૦ ટકા રાહત હેઠળ કુલ બે રાત્રી અને ત્રણ દિવસ સુધીનો યાત્રાલાભ અપાશે. આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે મુખ્યપ્રધાનને આવકાર્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નવા ઓપીડી બ્લોકનું સવારે ૧૧-૧પ કલાકે લોકાર્પણ કર્યા બાદ વિજય રૂપાણીએ સવારે ૧૧-પ૦ કલાકે વસ્ત્રાપુર ખાતે નવી કચેરી ભવનન ‘સી’ ટાઇપ ટાવરનું ઉદ્દઘાટન કર્યું હતું. બપોરે ૧ર-૧પ વાગ્યે બુકફેરનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોર્પોરેશન દ્વારા નિર્મિત પશ્ચિમ વિસ્તારના પ્રથમ મલ્ટીલેવલ પાર્કિંગનું ઉદ્દઘાટન કરવા માટે નવરંગપુરા જવા પ્રસ્થાન કર્યું હતું.
આજે દિવસભર મુખ્યપ્રધાનના હસ્તે અમદાવાદ શહેર અને જિલ્લાના કુલ રૂ.૧૬૦૦ કરોડનાં વિકાસ કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા યુનિવર્સિટી કન્વેશન ખાતે કોર્પોરેશનના રૂ.ર૪ કરોડના કામનું લોકાર્પણ અને રૂ.૯ર૦ કરોડના ર૮ કામનું ભૂમિપૂજન કરાયું હતું તે અત્રે ઉલ્લેખનીય છે.


આ પણ વાંચો :