1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026
  4. Waghai election result

વઘઈ તાલુકા પંચાયતમાં સત્તા માટે જંગ: ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ, 'જોડ-તોડ'ની રાજનીતિ શરૂ

 Waghai election result
વઘઈ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કુલ બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંનેને 8-8 બેઠકો મળતા ટાઈની સ્થિતિ સર્જાઈ છે. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળવાને કારણે સત્તાનું સુકાન કોણ સંભાળશે તે બાબતે ભારે સસ્પેન્સ સર્જાયું છે અને બંને પક્ષો વચ્ચે હવે 'જોડ-તોડ'ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
 
પરિણામો જાહેર થતાની સાથે જ બંને પક્ષોએ પોતાના વિજેતા સભ્યોને સાચવી રાખવા માટે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસે પોતાના તમામ 8 સભ્યોને અજ્ઞાત સ્થળે (અંડરગ્રાઉન્ડ) ખસેડી દીધા છે અને તેમના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, ભાજપે પણ સાવચેતીના ભાગરૂપે પોતાના સભ્યોને સુરક્ષિત સ્થળે રાખ્યા છે, જેથી અન્ય પક્ષ દ્વારા તેમનો સંપર્ક ન કરી શકાય.
 
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપના બે સભ્યો મંગળ ગાંવિતના સંપર્કમાં હોઈ શકે છે, જેને કારણે ભાજપની ચિંતા વધી છે. જોકે, ભાજપે આત્મવિશ્વાસ સાથે સત્તા મેળવવાનો દાવો કર્યો છે, તો કોંગ્રેસ પણ પોતાની રીતે બહુમતી સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ ખેંચતાણને લીધે વઘઈના રાજકારણમાં હાલ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
 
હાલમાં ચૂંટણી અધિકારીએ આ ટાઈ પડેલી પરિસ્થિતિનો સત્તાવાર રિપોર્ટ ચૂંટણી આયોગને સુપરત કરી દીધો છે. જો કોઈ પણ પક્ષ બહુમતીનો આંકડો સાબિત કરવામાં નિષ્ફળ રહેશે, તો પંચાયત ધારા મુજબ ચિઠ્ઠી ઉછાળીને (ડ્રો દ્વારા) પ્રમુખની પસંદગી કરવામાં આવી શકે છે. હવે સૌની નજર ચૂંટણી આયોગના આગામી નિર્ણય અને વઘઈના નવા પ્રમુખ કોણ બનશે તેના પર ટકેલી છે.
 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
ये भी पढ़ें
PM મોદીનો ગુજરાત પ્રવાસ: વડોદરામાં 150 કરોડના સરદારધામનું ઉદ્ઘાટન કરી જનતાને આપશે ભેટ