શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (11:37 IST)

રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં 1340 ઉમેદવારોની ડિપોઝિટ ડુલ, અમદાવાદમાં ભાજપના 16 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી

ગોમતીપુર, મક્તમપુર, દાણીલીમડા અને જમાલપુર વોર્ડના ભાજપના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ
 
રાજયમાં છ મહાનગર પાલિકાના મંગળવારે જાહેર થયેલા આખરી ચૂંટણી પરિણામોનાં આંકડાના તારણમાં સામે આવ્યું છે કે કોંગ્રેસના 178 સહિત 1340થી વધુ ઉમેદવારોને પ્રચારનો ખર્ચો તો માથે પડયો જ છે પણ હવે તેમને ડિપોઝિટમાં ભરેલા રૂપિયા ત્રણ – ત્રણ હજાર પણ પાછા મળે તેમ નથી! વિવિધ રાજકીય પક્ષોને મળેલાં મતનાં આંકડા મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઓછા મતદાન વચ્ચે પણ ભાજપના શહેરી મતદારોની સંખ્યામાં 2.80 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે કોંગ્રેસના મતદારોમાં આમ આદમી પાર્ટીએ ભાગ પડાવ્યો હોય તેવુ ચિત્ર વિશ્લેષણમાં સ્પષ્ટ થાય છે. આ ચૂંટણીમાં કુલ 2276 ઉમેદવારોએ ઝંપલાવ્યુ હતુ, જેમાંથી 576નો વિજય થયો છે.
‘આપે’ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ ઉમેદવારો ઉભા રાખ્યા
સુરતમાં સૌરાષ્ટ્રીયન પાટીદાર પ્રભૂત્વ ધરાવતા વિસ્તારોમાંથી 27 ઉમેદવારો જિત્યા બાદ આમ આદમી પાર્ટી- AAPએ રવિવારે યોજનારી પાલિકા- પંચાયતોની ચૂંટણી માટે જોર જમાવ્યુ છે. જિલ્લા પંચાયતની 304 બેઠકો અને તાલુકા પંચાયતો 1067 બેઠકો ઉપર AAPના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી મોટાભાગની બેઠકો સૌરાષ્ટ્ર ગ્રામિણ વિસ્તારોમાં છે. તદ્ઉપરાંત નગરપાલિકાઓની 726 બેઠકો ઉપર પણ ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે અમદાવાદમાં 7 બેઠકો ઉપર વિજય હાંસલ કરનાર AIMIMએ મોડાસા અને ગોધરા નગરપાલિકા ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ પાલિકા- પંચાયતોમાં ઉમેદવારો ઉતાર્યા છે. શહેરી મતદારોમાં આ બેઉ પાર્ટીઓની એન્ટ્રી થતા ગ્રામિણ- અર્ધશહેરી ક્ષેત્રોમાં કોંગ્રેસના ઉમદેવારો દોડતા થઈ ગયા છે. અસાદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમિન- AIMIMને અમદાવાદ કોર્પોરેશનમાં માત્ર 1.5 ટકા મતદારોથી જ 7 બેઠકો પર જીત મળી છે. 
અમદાવાદમાં ભાજપના 16 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લધુમતી, અનુસૂચિત જાતિ અને આદિવાસી વિસ્તારોમાંથી પ્રવેશ મેળવનાર આ પાર્ટીને કારણે કોંગ્રેસના કુલ છ ધારાસભ્યોના જીવ અધ્ધર થયા છે, ડિસેમ્બર 2022ની ચૂંટણી માટે નવેસરથી ગણિત ગોઠવવાનો વારો આવ્યો છે. અમદાવાદ શહેરમાં લધુમતી ધારાસભ્યો ધરાવતા જમાલપુર- ખાડિયા અને દરિયાપુર મતક્ષેત્ર ઉપરાંત જીC રિઝર્વ દાણીલીમડામાં પણ ચિત્ર પલટાઈ શકે છે. તદ્ઉપરાંત સૌરાષ્ટ્રના વાંકનેરમાં 15 વર્ષ પછી ચિત્ર બદલાશે એ નક્કી છે. જ્યારે કોંગ્રેસના હાથમાં રહેલી ઉત્તર ગુજરાતના જીC રિઝર્વ વડગામ તેમજ સિદ્ધપુર મતક્ષેત્રમાં AIMIMના પ્રવેશથી કોંગ્રેસને ધારણાંથી વિપરીત પરિણામો મળશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીમાં અંદાજે 450થી વધુ ઉમેદવારોએ ડીપીઝોટ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપના પણ 16 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવી પડી છે. 
કોંગ્રેસના પણ 65થી વધુ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ
શહેરના કોટ વિસ્તારમાં આવેલી ગોમતીપુર, મક્તમપુર, દાણીલીમડા અને જમાલપુર વોર્ડના ભાજપના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે. આ સિવાય કોંગ્રેસના પણ 65થી વધુ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે. સૌથી વધુ આમ આદમી પાર્ટીના 147થી વધુ ઉમેદવારોએ નિયત કરતાં ઓછા મત પ્રાપ્ત કર્યાં હોવાથી તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે. આ ઉપરાંત AIMIM, બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, અપના દેશ પાર્ટી સહિતના વિવિધ પક્ષના તેમજ અપક્ષ તરીકે ઉમેદવારોની નોધાવનાર 220થી વધુ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે. 
કોંગ્રેસે 7, ભાજપે 1 બેઠક 1000થી ઓછા મતે જીતી
મ્યુનિ.ના 48 વોર્ડની 192 બેઠકોમાંથી 8 બેઠકો પર ભારે રસાકસી જોવા મળી હતી જેમાં ચાંદખેડા, દરિયાપુર, ઇન્ડિયા કોલોની, અમરાઇવાડીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ્યારે બહેરામપુરા, મક્તમપુરાની 3 બેઠકો પર કોંગ્રેસ અને ઓવૈસીની એઆઈએમઆઈએમ વચ્ચે રસાકસી થઈ હતી. આ 8 બેઠકો પર હારજીતનું માર્જિન એક હજાર મતથી ઓછું છે. ચાંદખેડાની એક બેઠક પર કોંગ્રેસે માત્ર 306 વોટથી જ્યારે ભાજપે 808 મતથી વિજય મેળવ્યો હતો. દરિયાપુરની એક બેઠક પર કોંગ્રેસે માત્ર 491 જ્યારે ઇન્ડિયા કોલોનીની એક બેઠક પર 398 અને અમરાઈવાડીની એક બેઠક પર કોંગ્રેસે 669 વોટથી વિજય મેળવ્યો હતો. બહેરામપુરામાં બે બેઠક પર કોંગ્રેસે ઓવૈસી સામે 160 અને 856 મતે વિજય મેળવ્યો હતો જ્યારે મક્તમપુરામાં પણ કોંગ્રેસના એક ઉમેદવારે 1001 મતથી ઓવૈસીના ઉમેદવાર સામે જીત હાસલ કરી હતી.