મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 મે 2015 (17:47 IST)

ગરમીની સાથે લીલા શાકભાજીનાં ભાવો પણ ગરમ લ્હાય જેવા થયા

શહેરમાં શાકભાજીના ભાવોમાં ગરમીની અસર દેખાઈ રહી છે. લીલા શાકભાજીના ભાવ ૫૦ ટકા જેટલા વધ્યા છે. આગ ઝરતા ભાવોએ ગૃહિણીઓના રસોડાના બજેટને ખોરવી નાખ્યું છે. અઠવાડિયા પહેલા ૧૫ રૂપિયે કિલો મળતા ટામેટાના ભાવ એકાએક ૬૦થી ૭૦ રૂપિયે પહોંચી જતા દાળ-શાક ને સલાડમાં ટામેટાની આંશિક બાદબાકી કરવાની નોબત આવી છે.

લીલા શાકભાજીના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. ૪૦ રૂપિયે કિલો મળતા લીંબુનો ભાવ હાલમાં ૧૦૦ રૂપિયે પહોંચ્યો છે જ્યારે ૧૫ રૂપિયે કિલો પાલક ૩૫ રૂપિયે મળે છે. કોથમીર ૧૫થી ૨૦ રૂપિયે મળતી હતી જેના ભાવ હાલ ૫૦થી ૬૦ રૂપિયે પહોંચ્યા છે. મરચાના ભાવમાં ૩૫ રૂપિયાનો વધારો થયો છે. ૪૫ના કિલો મરચાં માર્કેટમાં ૮૫ રૂપિયે મળતા થયા છે. કાકડીનો ભાવ ૪૦ રૂપિયા હતો જે અત્યારે બમણા ભાવે એટલે કે ૮૦ રૂપિયે મળે છે. ફણસી અને ટીંડોરા ૫૦ રૂપિયે કિલો મળતા હતા જે હાલ ૯૦ રૂપિયે કિલો મળતા થયા છે ચોળીનો ભાવ પણ ૫૦ ટકાથી પણ વધુ વધ્યો છે.

૪૫ રૂપિયે કિલો મળતી ચોળી ૯૦થી ૧૦૦ રૂપિયે વેચાય છે. ગરમી પડવાને લીધે શાકભાજીના ભાવોમાં કૃત્રિમ ઉછાળો આવ્યો છે. આ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે નાસિકથી શાકભાજી અને ટમેટા જરૂરિયાત પૂરતા ન આવતા તેની અછત સર્જાઈ છે અને બેંગલુરથી શાકભાજી અને ટમેટા મંગાવાઈ રહ્યા છે.

ઉનાળામાં આમેય લીલા શાકભાજી બજારમાં ઓછા મળે છે અથવા મોંઘાં મળે છે આ ઉનાળે પણ ગરમીનો પારો ઊંચે ચડતા શાકભાજીના ભાવનો પારો પણ ઊંચે ગયો છે.