ગુરુવાર, 16 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 જૂન 2016 (15:11 IST)

જૂની અને વેરણછેરણ જવેલરીને ફરીથી બનાવડાવો તો ટેક્ષ લાગે?

ઘરેણાં પર એક ટકા એકસાઈઝ ડ્યૂટીની સામે લાંબો સમય લડત આપી ચૂકેલા જવેલર્સે નાણા મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ સામે તાજેતરમાં જ પોતાની ચિંતાઓ અને માગ રજૂ કરી હતી. ભૂતપૂર્વ  મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિરીના  નેતૃત્ત્વ હેઠળની આ સમિતિ પાસે અન્ય રજૂઆતો ઉપરાંત રિમેક થયેલા સોનાના દાગીના પર ડ્યૂટી લાગે કે નહીં તે અંગે સ્પષ્ટતા પણ માગવામાં આવી હતી.

   મોટા ભાગના લોકો જૂની અને વેરણછેરણ હાલતમાં રહેલી જવેલરીને ફરીથી બનાવડાવતા હોય છે, આવા સંજોગોમાં સંપૂર્ણ મૂલ્ય પર એકસાઇઝ ડ્યૂટી લેવી કાયદાકીય રીતે પણ યોગ્ય નથી. બીજી તરફ કેન્દ્ર સરકારે રૂ. બે લાખથી વધુની જવેલરીની ખરીદી પર એક ટકા ટેકસ કલેકશન એટ સોર્સ (TCS) વસૂલવાનો નિર્ણય પરત લેતાં જવેલર્સ ખુશ જણાતા હતાં. સરકારે TCSનીરૂ. પાંચ લાખની જૂની મર્યાદાને યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. બજેટ પ્રસ્તાવમાં રૂ. બે લાખની લિમિટનું સૂચન કરાયું હતું, જે ૧ જૂનથી લાગુ થવાની હતી.

   સમિતિ સાથેની બેઠકમાં જવેલર્સે એ વાત પર ખાસ ભાર મૂકયો હતો કે તેમને એક ટકાની એકસાઇઝ ડ્યૂટી આપવામાં કોઇ વાંધો નથી. અસલી ચિંતા નિયમોના પાલનની આડમાં નાના કારીગરોને થનારી હેરાનગતિની હતી. જવેલર્સે CBEC દ્વારા જારી કરાયેલા ડ્રાફ્ટ તથા પ્રસ્તાવિત છૂટમાં રહેલી ખામીઓ પણ ગણાવી હતી.

   આ સમિતિ ૪ જૂન સુધી સમગ્ર દેશના જવેલર્સનો અભિપ્રાય સાંભળશે અને ૧૫ જૂન સુધીમાં સરકારને રિપોર્ટ સોંપશે. જવેલર્સ સાથેની પહેલી બેઠકમાં સમિતિએ એકસાઇઝ ડ્યૂટીના પાલનમાં પડનારી તકલીફો સાંભળી હતી. આ બેઠકમાં CBEC તથા લીગલ સેલના અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં,એવું ઓલ ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ ફેડરેશન (દિલ્હી)ના જનરલ સેક્રેટરી યોગેશ સિંઘલે જણાવ્યું હતું. તેમણે સમિતિના અધિકારીઓનો હવાલો આપીને કેટલીક માગો જાહેર કરી નહોતી અને જણાવ્યું હતું કે અત્યારે બધુ જ ધ્યાન નિયમોના પાલનને સરળ તથા વેપારીઓને અનુકૂળ બનાવવા ઉપર છે.

   અધિકારીઓએ ખાતરી આપી છે કે કારીગરો અને નાના જવેલર્સને એકસાઇઝ ડ્યૂટીના પરિઘમાંથી બહાર રખાયા છે, પરંતુ જવેલર્સે મુખ્ય ઉત્પાદક કોણ? અને કારીગર કોણ? તથા તે નક્કી કરવાનો માપદંડ શું? તે અંગે સ્પષ્ટતા માગી છે, એવું આ સમિતિના એક હંગામી સદસ્યે જણાવ્યું હતું.  CBECએ  તેના પરિપત્રમાં જણાવ્યું છે કે એકસાઇઝ ડ્યૂટી આપવાની જવાબદારી કારીગરની નહીં, પણ મુખ્ય ઉત્પાદકની રહેશે. આ સમિતિ સમક્ષ જવેલર્સે સ્પષ્ટતા કરી છે કે તેઓ મોટા ભાગનું સોનું ગ્રાહકો પાસેથી ખરીદે છે, જેનું તેમને કોઇ પ્રકારનું બિલ મળતું નથી. આ પ્રકારના સ્ટોકને સરકાર કેવી રીતે જોશે તે અંગે ખુલાસો પણ મગાયો છે.