નવી જનરેશન ફેસબૂકીયા-વ્હોટસ્અપીયા બની રહી છે

youth
Last Modified સોમવાર, 12 મે 2014 (15:03 IST)

હિંસાત્મક માનસિક્તા અને ઓનલાઇન જાતિય સતામણીનો સામનો કરવો પડે નહીં તેના માટે ૮ થી ૧૩ વર્ષની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની સરકારે વાલીઓને ટકોર કરી હતી. સરકારની ટકોર છતાં અમદાવાદ સહિત દેશના અન્ય મોટા શહેરમાં ૮થી ૧૩ વર્ષની ઉંમરના ૭૩ ટકા બાળકો સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતા હોવાનું સર્વેક્ષણમાં સામે આવ્યું છે. આ સર્વેક્ષણમાં વધુ એક ચિંતાજનક વાત એ પણ સામે આવી છે કે આ બાળકોને તેમના માતા-પિતાએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ શરૃ કરી આપ્યું હતું.
ધ એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચેમ) દ્વારા અમદાવાદ ઉપરાંત દિલ્હી. મુંબઇ, બેંગલોર, ચેન્નાઇ, કોલકાતા, હૈદારાબાદ, પૂણેમાંથી ૮થી ૧૩
વર્ષની વયજૂથના ૪૨૦૦ જેટલા માતા-પિતાનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ અનુસાર ૭૫ ટકા માતા-પિતાએ કબૂલાત કરી છે કે તેમના બાળકો ફેસબૂકમાં નિયમિત રીતે લોગ ઇન કરે છે તે વાતથી તેઓ વાકેફ છે. ઘણા માતા-પિતાઓએ તો સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલાવવા બાળકોને ખોટી ઉંમર લખવા પણ સલાહ આપી હોવાનું સામે આવ્યું છે.
વધુ ચોંકાવનારી વાત એ છે કે ૮૨ ટકા માતા-પિતાઓએ જ તેમના બાળકોને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ શરૃ કરવામાં મદદ કરી આપી હતી. ૭૮ ટકા જેટલા માતા-પિતાઓનું માનવું હતું કે શાળાઓની પ્રવૃત્તિથી તાલમેલ રહે તેના માટે સોશિયલ મીડિયામાં તેમનું એકાઉન્ટ શરૃ કરાવવું જરૃરી હતું.

૧૩ વર્ષની ઉંમરના ૨૫ ટકા. ૧૧ વર્ષની ઉંમરના ૨૨ ટકા. ૧૦ વર્ષની ઉંમરના ૧૫ ટકા અને ૮-૯ વર્ષની ઉંમરના પાંચથી ૧૦ ટકા બાળકો સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવી રહ્યા છે. નિષ્ણાતોને મતે ખૂબ જ નાની ઉંમરે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હોવાથી બાળકોના કુમળા માનસ ઉપર અસર પડે છે અને તેનામાં કોમ્પ્યુટર સામે જ બેસી રહેવાની કુટેવ પડી જાય છે.
આ ઉપરાંત તેમનું વલણ ભવિષ્યમાં હિંસાત્મક માનસિકતા ધરાવનારું બની રહે તેની પણ સંભાવના અતિશય વધી જાય છે. મોટાભાગના બાળકોએ ફેસબૂકને પોતાની મનપસંદ સાઇટ ગણાવી હતી. આ ઉપરાંત યૂ ટયુબ, ગૂગલ પ્લસ, ફ્લિક ડોટ કોમ ઉપર પણ તે નિયમિત મુલાકાત લેતા હોવાનું બાળકોએ કબૂલ્યું છે. અન્ય એક રસપ્રદ વાત એ સામે આવી છે કે જે બાળકના માતા-પિતા બંને નોકરી કરતા હોય તો તેનું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ શરૃ કરવાનું અને તેની મુલાકાત લેવાનું પ્રમાણ વધી જાય છે.
નિષ્ણાતોને મતે આજના આ સમયમાં માતા-પિતા નિયમિતરૃપે બાળકોને ટેક્નોલોજીના ફાયદા-ગેરફાયદાથી નિયમિતરૃપે માહિતગાર કરતા રહે તે ખૂબ જ જરૃરી છે.આ પણ વાંચો :