શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 11 એપ્રિલ 2020 (10:15 IST)

અદાણીએ સ્વિગી સાથે કર્યું ટાઇ-અપ, આ શહેરોમાં મળશે ઘરેબેઠા ડિલીવરી

ફોરચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્યતેલોની સંપૂર્ણ રેન્જ અને ફૂડ આઈટમ્સનુ ઉત્પાદન કરતી એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની અદાણી વિલ્મરે તેની આવશ્યક ચીજો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ઓનલાઈન ફૂડ એગ્રીગેટર સ્વિગી સાથે જોડાણ કર્યું છે. આ ટાઈ-અપ એવા સમય થયુ છે કે જ્યારે કોરોના વાયરસને નિયંત્રિત કરવા દેશવ્યાપી લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
 
અદાણી વિલ્મરના ડેપ્યુટી સીઈઓ અંગ્શુ મલ્લિક જણાવે છે કે “હાલમાં ચાલી રહેલા લૉકડાઉનને કારણે લોજીસ્ટીક્સ અને સપ્લાય ચેઈન ખોરવાઈ છે. હાલનુ લૉકડાઉન તા. 14 એપ્રિલે ખતમ થશે જયારે પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે તેવી કોઈ સ્પષ્ટતા નથી. સ્વિગી સાથે અમારૂ જોડાણ કરવાનો ઉદ્દેશ એ છે કે અમારા ગ્રાહકો અમારાં ઉત્પાદનોની સમગ્ર શ્રેણી ઘરની બહાર નીકળ્યા વગર અને પોતાની જાતને કોરોના વાયરસના જોખમમાં મુક્યા વગર મેળવી શકે.”
 
સ્વિગી મારફતે ફોરચ્યુન રેન્જની પ્રોડકટસની ડિલીવરી સ્વિગીના લોકો મારફતે આગામી સપ્તાહે લખનઉ અને કાનપુરમાં શરૂ થવાની શકયતા છે. અદાણી વિલ્મર આ સુવિધા દિલ્હી, ગુરગાંવ, મુંબઈ, ચેન્નાઈ, પુના, હૈદ્રાબાદ, બેંગલોર સહિતનાં અન્ય 13 શહેરોમાં વિસ્તારવાનો ઉદ્દેશ ધરાવે છે.
 
મલ્લિકએ વધુમાં જણાવ્યું હતું કે “અમને વિશ્વાસ છે કે સ્વિગી મારફતે સરળતાથી થતી ડિલીવરી અને અમારી પ્રોડકટસની શ્રેષ્ઠ ગુણવત્તાને કારણે ગ્રાહકો આ સર્વિસને સારી રીતે આવકારશે.”
 
અદાણી વિલ્મર સ્પેશ્યલ કોમ્બો પેક લાવી રહ્યુ છે, સ્વિગી મારફતે ડિલિવરી માટે દરેક પેકમાં ચારથી પાંચ પ્રોડકટસનો સમાવેશ કરાશે. આ કોમ્બો પેક પ્રાદેશીક પસંદગી અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ગ્રાહકોની પ્રાદેશિક અગ્રતા મુજબ તેમજ ગ્રાહકોના પ્રતિભાવને આધારે તથા બજારની સમજ મુજબ તેમાં ફેરફાર કરવામાં આવશે.
 
ચોકકસ ભૌગોલિક વિસ્તારમાં ફોરચ્યુન પ્રોડકટસ ઉપલબ્ધ બનતાં તેને તુરત જ સ્વિગી એપ્પ ઉપર એક્ટિવેટ કરવામાં આવશે. ઓર્ડર કરાયા પછી, ડિલિવરી એકઝિક્યુટિવ સ્વિગિના સ્ટોક પોઈન્ટમાંથી લઈ જઈને ગ્રાહકને ત્યાં 24 કલાકની અંદર પહોંચાડી દેશે.
 
પિક-અપ અને ડિલિવરીની પ્રક્રિયા દરમ્યાન હેન્ડ સેનેટાઈઝર, ફેસ માસ્કસ, હેન્ડ ગ્લોવઝનો ઉપયોગ કરવામાં આવશે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ અને ઓછામાં ઓછો માનવ સ્પર્શ થાય તેવી આવશ્યક સાવચેતીઓનુ  ચુસ્તપણે ધ્યાન રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “અમે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કટીબધ્ધ છીએ અને તે માટે તમામ આવશ્યક સિસ્ટમ કામે લગાડીશુ”