ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2022 (19:13 IST)

બેંકના કર્મચારીઓ 28-29 માર્ચે હડતાળ પર ઉતરશે, ખોરવાઇ જશે કરોડોના ટ્રાંજેક્શન

બેંક કર્મચારીઓ અવાર નવાર વિવિધ માંગોને લઇને હડતાળ પર ઉતરતા હોય છે. ત્યારે વધુ એકવાર 28 અને 29 માર્ચે બેંકોએ બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. 
નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરશે. બેંકોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે બેંક કર્મચારીઓએ હડતાળની જાહેરાત કરી છે. ઓલ ઇન્ડીયા બેંક એમ્પલોયી એસોસીએશનના નેજા હેઠળ બેંક કર્મચારી કામથી દૂર  રહેશે.
 
ફરી એકવાર બેંકના કર્મચારીઓ આક્રમક મોડમાં જોવા મળશે.  મહત્વનું છે કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે બે સરકારી બેંકો અને એક વિમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. જાણવા મળી રહ્યું છે કે નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની 8 માગણીઓ મુદ્દે બેંક કર્મચારી સાથે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન તથા સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા હડતાળમાં જશે. 
 
નેશનલાઇઝ બેંકોના કર્મચારીઓની જે માંગણી છે જેમાં મુખ્યત્વે બેંકોનું ખાનગી કરણ બંધ કરવુ, બેંક લોનની રીકવરી શરુ કરવી, બેંકની થાપણના વ્યાજમાં વધારો કરવો, ગ્રાહકો પર ઊંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવો, નવી પેન્શન યોજના રોકો- DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી, આઉટ સોર્સીંગ બંધ કરી કાયમી ભરતી કરવી, તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા જેવા મુદ્દે બે દિવસીય હડતાળ યોજવામાં આવશે.
 
જાણવા મળી રહ્યું છે કે હડતાળને પગલે કરોડોના ટ્રાન્જેક્શન ખોરવાઈ જવાની શક્યતા જોવામાં આવી રહી છે. માત્ર ગુજરાતની કુલ 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાખાઓ હડતાળના કારણે બંધ રહેશે અને કુલ 40000 બેંક કર્મચારીઓ હડતાળમાં ભાગ લેશે. જેના કારણે ગુજરાતમાં રૂ.25000 કરોડના કુલ વ્યવહારોને અસર થશે.