મંગળવાર, 22 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 27 માર્ચ 2021 (12:22 IST)

ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસ્ ના 9 હજાર મેળવવાની લાલચે શહેરના બિઝનેસમેને 95 હજાર ગુમાવ્યા

વડોદરા
બેંક ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસ્ ના   રૂપિયા 9 હજારની લાલચે ઓનલાઇન ભેજાબાજના ચુંગાલમાં આવી જતા નજીવી રકમ મેળવવાની લાલચમાં ખાતેદારને લાખ રૂપિયા જેટલી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો. શહેરના ફતેગંજ વિસ્તારમાં ડિઝાઇનીગ એન્જિનિયરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસમેનને વિશ્વાસમાં લઇ અજાણી મહિલાએ ફોન કરી વેપારીના બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા 95 હજાર ઉપરાંતની રકમ ઉપાડી લીધી હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના હરણી રોડ પર રહેતા યોગેશ ગીગલાણી ડિઝાઇનીગ એન્જિનિયરિંગ નું કામ કરે છે અને ફતેગંજ વિસ્તારના સેફરોન ટાવરમાં તેઓ ઓફિસ ધરાવે છે. ૨૩મી માર્ચના રોજ તેઓને અજાણી વ્યક્તિએ ફોન કરી આરબીએલ બેંકમાંથી પ્રિયા શર્મા હોવાની ઓળખ આપી જણાવ્યું હતું કે , " તમારા ક્રેડિટ કાર્ડના રિવડ પોઇન્ટ આવ્યા છે . જેથી તમને રૂપિયા 9 હજાર રૂપિયા મળશે.
 વાતચીત દરમિયાન  અજાણી વ્યક્તિએ યોગેશભાઈના ક્રેડિટ કાર્ડ અને પાન કાર્ડનો નંબર જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. અને આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાં રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર અમે તમને ઓ.ટી.પી. મોકલ્યો છે જે પાસવર્ડ અમને આપો. જેથી ઓ.ટી.પી. સેન્ડ કરતા જ સામેવાળી વ્યક્તિએ ફોન કટ કરી નાખ્યો હતો . અને ત્યારબાદ થોડીવારમાં યોગેશભાઈના બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 95,680ની રકમ ભેજાબાજે ઉપાડી લીધી હતી. 
દરમિયાન બિઝનેસમેને પ્રિયા શર્મા નામની મહિલા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.