નોટબંધીની જાહેરાતથી હું સ્તબ્ઘ, કેશલેશ ઈકોનોમીને ઉપર લઈ જવા માટે નોટબંધીએ એકદમ ખોટો નિર્ણય -મનમોહનસિંહ
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. તેઓ શાહીબાગ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના લોકો સાથે વર્તમાન આર્થિક પરિસ્થિતિ પર વિચાર વિમર્શ કરી રહ્યાં છે.તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતાં કહ્યું હતું કે, મને ગુજરાત આવીને મને ઘણો આનંદ થયો છે. આ ગુજરાતે જ સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા મહાન લોકો આપ્યાં છે. તેમણે નોટબંધી વિશે પોતાનું નિવેદન આપતા કહ્યું કે, સરકારનો આ નિર્ણય વિનાશકારી છે.
ભારતમાં લોકતંત્રના ઈતિહાસમાં નોટબંધીએ કાળો દિવસ છે. દુનિયામાં કોઈ દેશે આવો નિર્ણય નથી લીધો જેમાં 86 ટકા કરન્સીને એક સાથે પાછી લઈ લીધી હોય. કેશલેશ ઈકોનોમીને ઉપર લઈ જવા માટે નોટબંધીએ એકદમ ખોટો નિર્ણય હતો. જેથી નોટબંધી મોદી સરકારનું બ્લંડર છે. તેમણે ઉમેર્યું હતું કે મે સંસદ ભવનમાં કહ્યું હતું તે આજે પણ કહીશ કે નોટબંધી થવાના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. આ કારોબારીઓ પર એક ટેક્સ ત્રાસવાદની જેમ લાગુ થયો હતો. મનમોહનસિંહ બોલ્યા કે જીએસટી અને નોટબંધીના કારણે ભારતની અર્થવ્યવસ્થાને બે બાજુથી ફટકો પડ્યો છે. જેના કારણે નાના વેપારીઓને ઘણું નુકશાન થયું છે. નોટબંધીની જાહેરાત બાદ હું સ્તબ્ધ થયો હતો. નોટબંધી એ બ્લેક મનીનું સોલ્યુશન નથી. તેમણે કેન્દ્ર સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે એવું પણ જણાવ્યું હતું. તેમણે બુલેટ ટ્રેન પર નિશાન સાધતા કહ્યું કે આમાં કરોડોનું આંઘણ કરવામાં આવી રહ્યું છે. હાલના રેલવે તંત્રને સુધારવાની જરૂર છે.