કોવિડ ૧૯ ની અસરોમાંથી બહાર આવ્યું અર્થતંત્ર, ગુજરાત રાજ્યને જીએસટીના અમલીકરણ બાદ વર્ષ ૨૧-૨૨માં થઇ સૌથી વધુ આવક
વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રાજ્યને જીએસટી, વેટ અને વળતરની રકમ મળીને રૂ. ૮૬,૭૮૦ કરોડની આવક થયેલ છે. જે જીએસટી અમલીકરણ બાદની અત્યાર સુધીની સૌથી વધુ આવક છે.
આજ રીતે માર્ચ-૨૦૨૨ માં ગુજરાત રાજ્યને જીએસટીની રૂ. ૪,૫૩૦ કરોડની આવક થયેલ છે જે જીએસટી કાયદાના અમલીકરણ બાદની સૌથી વધુ માસિક આવક છે. જે ગત માર્ચ-૨૦૨૧ની આવક રૂ. ૩,૫૨૩ કરોડ કરતા રૂ. ૧,૦૦૭ કરોડ વધુ છે. જે ૨૮.૫૬% નો ગ્રોથ દર્શાવે છે. જ્યારે ફેબ્રુઆરી-૨૨ની રૂ. ૪,૧૮૯ કરોડની આવક કરતાં ૮% વધુ છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રાજ્યને થયેલી રૂ. ૮૬,૭૮૦ કરોડની આવક ગત વર્ષ ૨૦૨૦-૨૧ની રૂ. ૬૬,૭૨૩ કરોડની સરખામણીમાં રૂ. ૨૦,૦૫૭ કરોડ વધુ છે.
કોવિડ-૨૦૧૯ મહામારીના કારણે અગાઉ આર્થિક પ્રવ્રુત્તિઓ ધીમી થયેલ હોઇ ગત વર્ષ ૨૦૨૦-૨૧માં રાજ્યની આવકને અસર થયેલ. તેની સરખામણીમાં વર્ષ ૨૦૨૧-૨૨માં થયેલી આવક જોતાં ગુજરાત રાજ્યનુ અર્થતંત્ર કોવિડ-૧૯ મહામારીની અસરોથી ઝડપથી બહાર આવી રહેલ છે તે દર્શાવે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન જીએસટી હેઠળ કુલ રૂ. ૪૫,૪૬૪ કરોડની આવક થયેલ છે. જે વર્ષ ૨૦૨૦-૨૧ ની આવક રૂ. ૩૦,૬૯૭ કરોડ કરતા રૂ. ૧૪,૭૬૭ કરોડ વધુ છે જે ૪૮.૧૦% નો ગ્રોથ દર્શાવે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન રાજ્યને વેટ પેટે કુલ રૂ. ૩૦,૧૩૭ કરોડની આવક થયેલ છે. જે વર્ષ ૨૦૨૦-૨૧ ની આવક રૂ. ૨૦,૮૨૭ કરોડ કરતા રૂ. ૯,૩૧૦ કરોડ વધુ છે, જે ૪૪.૭૦% નો ગ્રોથ દર્શાવે છે.