GSTને લઇ વેપારીઓ દ્વારા વિરોધ, ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડનું કરોડોનું ટર્નઓવર ઠપ્પ
જીએસટીના અમલને લઇ મહેસાણા અને ઊંઝા માર્કેટયાર્ડમાં શુક્રવારે વેપારીઓ હરાજીમાં જોડાયા ન હતા. ધંધા બંધ થતાં અંદાજે રૂ.15.50 કરોડનું ટર્નઓવર ઠપ થયું હતું. જ્યારે વિજાપુર યાર્ડ શનિવારથી અચોક્કસ મુદ્દત સુધી બંધ રહ્યું હતું. પાટણ, સિદ્ધપુર, હારિજ, રાધનપુરમાં મુખ્ય માર્કેટયાર્ડો સદંતર બંધ રહેતાં 13 કરોડના સોદા ઠપ થયા હતા. મહેસાણા માર્કેટયાર્ડમાં હાલ એરંડાની મબલખ આવક થઇ રહી છે.
છતાં જીએસટી કાયદાની નવી પધ્ધતિઓ વેપારમાં બાધક બનશે તેવી રાવ સાથે વેપારીઓએ શુક્રવારે બંધ પાળતાં રૂ. 35થી 50 લાખનું ટર્નઓવર અટકયું હતું. વેપારી એસો. પ્રમુખ સીતારામભાઇ પટેલે જણાવ્યું કે અમને જીએસટીનો વિરોધ નથી, પરંતુ તેની જટીલ પ્રક્રિયાનો વિરોધ છે. આ પ્રક્રિયાથી ખેડૂતોને અન્યાય થશે અને પોષણક્ષમ ભાવો નહીં મળે. આ પ્રક્રિયા સરળ બનાવવી જોઇએ. ઊંઝા કરિયાણા બજાર એસોસીએસનના પ્રમુખ અમૃતભાઇ પટેલે જણાવ્યું કે જીએસટીનો અમને વિરોધ નથી પરંતુ જીએટીમાં બિલ વગરનો માલ, માલ સીઝ કરવા જેવી કાયદાકીય કલમો મુકવામાં આવી છે જેનો વિરોધ છે. જેમાં માળખુ સરળ બનાવી કાયદાકીય ગુંચ સરળ બનાવવી જોઇએ. જ્યારે વિજાપુર એપીએમસી વેપારી એસોના પ્રમુખ નરેશભાઇ પટેલે જણાવ્યું કે, શનિવારથી જીએસટીના વિરોધમાં અચોક્કસ મુદ્દત સુધી વેપારીઓ બંધ રાખશે. રોજનું અંદાજે દોઢ કરોડનું ટર્નઓવર યાર્ડમાં રહે છે.