ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 18 ફેબ્રુઆરી 2022 (21:24 IST)

ગુજરાતની નવી બાયોટેક્નોલોજી પોલિસી જાહેર, 1.20 લાખ લોકોને લોકોને મળશે રોજગારી

ગુજરાતની નવી બાયોટેક્નોલોજી પોલિસી જાહેર: સમગ્ર દેશમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રાજ્યોમાં સ્થાન પ્રાપ્ત કરશે
 
ગુજરાતની નવી બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “બાયોટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન આ પોલિસી સાકાર કરશે. મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી બાયોટેક્નોલોજી પોલિસીની વિશેષતાઓ અને વિશિષ્ટ જોગવાઇઓ નીચે મુજબ છે.
 
સમગ્ર દેશમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રાજ્યોમાં સ્થાન પ્રાપ્ત કરશે
બાયો પ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રોમાં આ પોલિસી પ્રોત્સાહક બનશે.
રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે રૂ. ૨૦ હજાર કરોડથી વધારેનું મૂડી રોકાણ થવાની સંભાવના
ઈનોવેટીવ CAPEX તેમજ OPEX મોડેલથી દેશની આત્મનિર્ભરતામાં ફાળો આપનાર સ્પેશ્યલ પ્રોજેક્ટસને ૨૦૦ કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના ૨૫% સુધીની સહાય અને વધુમાં વધુ ૨૫ કરોડ પ્રતિવર્ષની મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના ૧૫% સુધી સહાય અપાશે
ટર્મ-લોન ના વ્યાજ પર ૭% ના દરે, વાર્ષિક રૂ. ૨૦ કરોડની ટોચમર્યાદામાં સહાય
પ્રિ-કલીનીક્લ ટેસ્ટિંગ-ખાનગી સેક્ટરમાં જિનોમ સિકવસીંગ-પ્લગ એન્ડ પ્લે ફસેલીટીઝ-પ્રાયવેટ સેક્ટર BSL-3 લેબ-વેક્સિન ડેવલપમેન્ટ અને મેન્યૂફેકચરીંગ-ટેસ્ટીંગ અને સર્ટિફિકેશન લેબોરેટરીઝ જેવા સ્પેશ્યલ પ્રોજેક્ટને સહાય-સપોર્ટથી ઇકોસિસ્ટમ વધુ સુગ્રથિત કરાશે
રાજ્યમાં ૫૦૦ થી વધારે ઉદ્યોગોને સહાય આ પોલિસીમાંથી અપાશે
૧ લાખ ર૦ હજારથી વધુ નવા રોજગાર અવસરોની સંભાવના
ઇલેકટ્રીસીટી ડ્યુટી ઉપર ૧૦૦% વળતર
સ્ત્રી સશક્તિકારણને પ્રોત્સાહન આપવા માટે મહિલા કર્મચારી માટે 100 ટકા ઈ.પી.એફ. સહાય.
નવી બાયોટેક્નોલોજી પોલિસી રાજ્યમાં ઇનોવેશન ઇકોસીસ્ટમને વધુ સુદ્રઢ બનાવશે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બાયોટેક્નોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરી છે. આ નવી પોલિસી આગામી પાંચ વર્ષ એટલે કે ર૦રર થી ર૦ર૭ સુધી અમલમાં રહેશે. મુખ્યમંત્રીએ શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસીની જાહેરાત સાયન્સ સીટી, અમદાવાદ ખાતે કરી હતી.
 
આ નવી બાયોટેક્નોલોજી પોલિસીની જાહેરાત વેળાએ બ્રિટીશ ડેપ્યુટી હાય-કમિશ્નર પીટર કુક તેમજ મુખ્ય સચિવ પંકજકુમાર, વરિષ્ઠ સચિવો, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નહેરા, બાયોટેક્નોલોજી ક્ષેત્રની રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ પણ આ ઉપસ્થિત રહ્યા હતા.
 
મુખ્યમંત્રીએ જાહેર કરેલી ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી (૨૦૨૨-૨૭)ની કેટલીક મહત્વપૂર્ણ વિશેષતાઓ આ મુજબ છે :
 
ઈનોવેટીવ CAPEX તેમજ OPEX મોડેલથી એકંદરે સહાયનો દર અને સહાયની માત્રા એમ બન્નેમાં મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા સ્ટ્રેટેજીક પ્રોજેક્ટ્સ અને મેગા/ લાર્જ પ્રોજેક્ટસને સ્પેશ્યલ પેકેજ આપીને આગવું મહત્વ આપવામાં આવ્યું છે, તે એન્કર યુનિટ્સ અને હાલમાં કાર્યરત ઉદ્યોગો દ્વારા નવા રોકાણને આકર્ષિત કરશે અને રાજ્યમાં રોજગારીની નવી તકો ઉભી કરશે.
 
૨૦૦ કરોડથી ઓછી મૂડી-રોકાણ વાળા MSME ઉદ્યોગોને ૪૦ કરોડની મહત્તમ મર્યાદામાં અને ૨૦૦ કરોડથી વધુ મૂડી-રોકાણ વાળા મેગા/ લાર્જ પ્રોજેક્ટસને તેમજ ઇકોસીસ્ટમ સશક્તિકરણ, ઈમર્જીંગ ટેકનોલોજીસ ઇન ચેલેન્જીંગ એરિયાઝ અને સ્ટ્રેટેજીક મહત્વતા ધરાવતા સ્પેશ્યલ પ્રોજેક્ટસને ૨૦૦ કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના ૨૫% સહાય, કુલ ૫ વર્ષમાં ૨૦ ત્રિમાસિક હપ્તાના સ્વરૂપમાં અપાશે.
 
૨૦૦ કરોડથી ઓછી મૂડી-રોકાણ વાળા MSME ઉદ્યોગોને પ્રતિવર્ષ ૫ કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં અને ૨૦૦ કરોડથી વધુ મૂડી-રોકાણ વાળા મેગા/ લાર્જ પ્રોજેક્ટસને, તેમજ ઇકોસીસ્ટમ સશક્તિકરણ જેવા સ્પેશ્યલ પ્રોજેક્ટસને ૨૫ કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના ૧૫% સહાય આપવામાં આવશે; આ સહાયમાં પાવર ટેરિફ, પેટન્ટ સહાય, માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય, લીઝ રેન્ટલ સબસિડી, બેન્ડવિડ્થ લીઝિંગ, અને ક્વોલીટી સર્ટીફીકેશન માટેના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
આ બાયોટેક્નોલોજી પોલિસીમાં જે કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે
 
રોજગારીને પ્રોત્સાહન: એક વર્ષથી વધારે સમય સુધી અરજકર્તા કંપની સાથે જોડાયેલ હોય તેવા પ્રત્યેક સ્થાનિક પુરુષ અને મહિલાને અનુક્રમે રૂ. ૫૦,૦૦૦ અને રૂ. ૬૦,૦૦૦ની સહાય અપાશે.
 
એમ્પલોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ: પ્રત્યેક મહિલા અને પુરુષ કર્મચારી માટે અરજકર્તા કંપનીએ ભરેલ એમ્પલોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઉપર અનુક્રમે ૧૦૦% અને ૭૫% વળતર.
 
ટર્મ લોન ઉપર વ્યાજ સબસિડી: ૧૦૦ કરોડ સુધીની ટર્મ લોન ઉપર ભરેલ વ્યાજ સામે વાર્ષિક રૂ. ૭ કરોડની ટોચમર્યાદામાં, ૭% ના દરે ત્રિમાસિક વળતર. ઉપરાંત, રૂ ૧૦૦ કરોડથી વધુની ટર્મ લોન ઉપર, વાર્ષિક રૂ. ૨૦ કરોડની મહત્તમ મર્યાદામાં, ભરેલ વ્યાજ સામે ૩% ના દરે ત્રિમાસિક વળતર.
 
ઇલેકટ્રીસીટી ડ્યુટી: પાંચ વર્ષ માટે ભરેલ ઇલેકટ્રીસીટી ડ્યુટી ઉપર ૧૦૦% વળતર.
 
દેશમાં ઉત્પાદન ન થતી હોય તેવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવાના ઉદેશ્યથી સ્ટ્રેટેજીક મહત્વના પ્રોજેક્ટસ હેઠળ સમાવેશ કરી ઇકોસીસ્ટમ સશક્તિકરણ તથા મેગા અને લાર્જ પ્રોજેક્ટસને મળતા સ્પેશીયલ પેકેજ દ્વારા વધારાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે.
 
સ્પેશીયલ પેકેજ હેઠળ મંજુરી મળેલા પ્રોજેક્ટસને રાજ્ય સરકારના આંતર-વિભાગીય સંકલન અને સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેકટથી જમીન ફાળવણી તથા અન્ય પાયાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સબંધિત જરૂરીયાતો જેમ, અપ્રોચ રોડ, પાણી-પૂરવઠો, ઈલેક્ટ્રીસિટી, ગટર, વગેરે માટે સર્વાંગી સુવિધા પૂરી પાડવામાં આવશે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ નવી બાયોટેક્નોલોજી પોલિસી ર૦રર-ર૭થી બાયોટેક્નોલોજીકલ ડ્રીવન ઇકોનોમી દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાત લીડ લેવા પ્રતિબદ્ધ છે