નોટબંધીને કારણે ચીકુના ખેડૂતોને રડવાનો વારો આવ્યો, કરોડોનું નુકશાન

Last Modified શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (15:04 IST)

કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને પગલે ચીકુવાડીના ખેડૂતોને એક મહિના દરમિયાન ૩૫ કરોડ ઉપરાંતનો સીધો આર્થિક ફટકો પડયો છે. ખાસ કરીને દિવાળીમાં લાભ પાંચમ બાદ ચીકુ એપીએમસી અને મંડળીઓમાં આવતા હોય છે પરંતુ લાભ પાંચમના દિવસે વીસ કિલો ચીકુના ભાવ ૭૦૦થી ૯૦૦ હતા એ ગત તા. ૯મી બાદ સીધા ૨૫૦થી ૩૫૦ ઉપર આવી ગયા હતા. ગંભીર સ્થિતિ તો રહી હતી કે, તા. ૯મી બાદ રોકડની અછત અને સહકારી બેંકો ઉપર મુકાયેલા નિયંત્રણોને પગલે પખવાડિયા સુધી ચીકુનો વેપાર બંધ કરી દેવાયો હતો અને શરૃ થતાં સુધીમાં મોટા પાયે ચીકુ પાકી જતાં એક મહિનાથી અત્યાર સુધીમાં કરોડોનું નુકસાન થયું છે અને હજુ પણ ભાવ નહીં ઊંચકાતા આ ખોટનો વેપાર ચાલુ રહ્યો છે. વાસ્તવમાં સુરત ખાતે આગામી શનિવાર તા. ૧૧મીના રોજ મળનારા ખેડૂત મહાસંમેલનના સંદર્ભમાં ગણદેવી ખાતે મળેલી મિટિંગમાં નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લાના ખેડૂતોએ આક્રોશ વ્યકત કરતા આ પ્રકરણમાં મંડળીઓને પણ નાણાં નહીં મળતા હવે પછીની પરિસ્થિતિ વધારે ખરાબ થવાની ભીતિ વ્યકત કરાઈ હતી. આ અંગે મુકેશભાઈ નાયકે જણાવ્યું હતું કે, પખવાડિયાના બંધ બાદ શરૃ થયેલા વેપારને પણ રોકડની અછત વર્તાવાની શરૃ થતાં હાલમાં સ્થિતિ બદથી બદતર બની રહી છે.નવસારી અને વલસાડ પંથકમાં અંદાજે ૩૫,૦૦૦ ખેડૂતો ચીકુના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેઓ રોજના ત્રીસ હજાર મણ ચીકુ માર્કેટમાં ઠાલવે છે. જેઓ નવસારી, ચીખલી અને વલસાડ એપીએમસીમાં પંદરથી અઢાર મણ અને બાકીના ચીકુ બાર જેટલી ચીકુ મંડળીઓ મારફત વેચે છે. મંડળીના ચીકુ ખાસ કરીને ઉત્તર ગુજરાત તરફ જાય છે. પરંતુ હાલમાં તો ડીઝલ અને મજૂરી સહિતનાં કામો માટે રોકડની અછતને કારણે આ માલ પણ પહોંચાડી શકાતો નહીં હોવાની ફરિયાદ થઈ હતી. ઉત્તર ગુજરાતની એક ટ્રકની ડિલિવરી પાછળ પચાસ હજારનો ખર્ચ થાય છે અને હાલમાં બેંક ઓફ બરોડા કે, સહકારી કોઈ બેંકમાંથી ચાર હજારથી વધારે મળતા નથી. આ સંજોગોમાં સપ્લાયને પણ મોટી અસર પડી રહી છે.


આ પણ વાંચો :