જોનસન એન્ડ જોનસન ઉપર 365 કરોડ રૂપિયાનો દંડ, પાવડરના ઉપયોગથી એક મહિલાને કેન્સર
અમેરિકાની દવા કંપની જોનસન એન્ડ જોનસન ઉપર કોર્ટે 55 મીલીયન ડોલર એટલે કે લગભગ 365 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ તેના ટેલ્કમ પાઉડરથી થતા કેન્સરને કારણે ફટકારવામાં આવ્યો છે. અમેરિકાના દક્ષિણી ડકોટાની એક મહિલાએ જોન્સન એન્ડ જોન્સન ઉપર આરોપ મુકયો હતો કે, તેને આ કંપનીના ટેલ્કમ પાઉડરને કારણે ગર્ભાશયનું કેન્સર થયુ હતુ. જો કે કંપની આ સામે અપીલ કરશે.
જોન્સન એન્ડ જોન્સન કંપનીના પ્રવકતા કેરોલ ગુડરીચએ જણાવ્યુ છે કે, દુર્ભાગ્યની વાત છે કે, કોર્ટનો ફેંસલો મેડીકલ એકસપર્ટના 30 વર્ષના અભ્યાસની વિરૂધ્ધ છે. 100 વર્ષથી કંપની ગ્રાહકોને સુરક્ષિત કોસ્મેટીક પાઉડર ઉપલબ્ધ કરાવે છે તો મહિલાના વકીલ જીમ ઓર્ડરે જણાવ્યુ છે કે, 1970થી જ સંશોધકો ટેલ્કમ પાઉડરને ગર્ભાશયના કેન્સરથી જોડી રહ્યા છે. કંપનીના આંતરીક દસ્તાવેજો એ જણાવે છે કે, કંપનીને આ બાબતની માહિતી હતી છતાં કંપનીએ લોકોને અંધારામાં રાખ્યા હતા. આ પહેલા પણ એક અન્ય કોર્ટે કંપની પર 72 મીલીયન ડોલરનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે આ આદેશ અલબામાની એક મહિલાના પરિવારની ફરિયાદ પર આપ્યો હતો. મહિલાનુ મોત ગર્ભાશયના કેન્સરથી થયુ હતુ.
અત્રે એ નોંધનીય છે કે, ભારતમાં બેબી પાઉડર માર્કેટમાં જોન્સન એન્ડ જોન્સનનો 50 ટકા હિસ્સો છે. 175 દેશોમાં કંપનીની પ્રોડકટ વેચાય છે. અમેરિકામાં ગર્ભાશયના કેન્સરથી પીડિત 1200 મહિલાઓ કંપની ઉપર કેસ નોંધાવી ચુકી છે. તાજેતરમાં કોર્ટે મહિલાના દાવાને યોગ્ય ગણ્યો અને કંપની ઉપર 365 કરોડનો દંડ ફટકાર્યો. ભારતમાં પણ આ કંપની વિરૂધ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. કંપનીએ ટેલ્કમ પાઉડરથી કેન્સરના ખતરાની વોર્નીંગ આપી ન હતી. એક અભ્યાસ અનુસાર ટેલ્કમ પાઉડરનો સપ્તાહ એક વખત ઉપયોગ કરવાથી ગર્ભાશયના કેન્સરનો ખતરો 33 ટકા વધી જાય છે અને રોજ ઉપયોગથી ખતરો 41 ટકા વધુ હોય છે.
62 વર્ષની મહિલા ગ્લોરીયાએ પોતાની અરજીમાં કહ્યુ હતુ કે, તે 40 વર્ષથી હાઇજીન તરીકે જોન્સનના બે ટેલ્કમ પાઉડર બેબી પાઉડર અને સાવર ટુ સાવરનો ઉપયોગ કરતી હતી ખાસ કરીને પ્રાઇવેટ પાર્ટ ઉપર. 2011 માં તેને ઓવેરીયન કેન્સરની જાણ થઇ, ડોકટરોએ સર્જરીની સલાહ આપી હતી. ઓપરેશન દરમિયાન ડોકટરોને ઓવરીમાં ટેલ્કમ પાઉડરના અંશ મળ્યા. જયારે કંપની આ બંને પાઉડરનું માર્કેટીંગ હાઇજીન પ્રોડકટ તરીકે કરતી હતી.