શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (13:17 IST)

ગુજરાતના આ શહેરમાં બનશે દેશનું પ્રથમ એર પ્યૂરીફાયર, પ્રદૂષિત હવાને કરશે શુદ્ધ

દેશભરમાં કાપડ અને હીરા ઉદ્યોગ માટે જાણિતા સુરત શહેરની હવામાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. તેના માટે ડગલે ને પગલે વધતા જતાં ઉદ્યોગો અને બાંધકામ હવાના પ્રદૂષણ મુખ્ય જવાબદાર પરીબળો છે. 50 લાખ કરતાં વધુની વસ્તી ધરાવતાં સુરત શહેર માટે સૌથી મોટો પડકાર શુદ્ધ હવા છે. શિયાળામાં દિલ્હીમાં જોવા મળતી પ્રદૂષિત હવાની સ્થિતિને જોતાં સુરત મહાનગર પાલિકા સફાળી જાગી ઉઠી છે અને હવાના વધાતા જતા પ્રદૂષણ અટકાવવા માટે ઉપાય શોધી કાઢી અને તે માટે કામગીરી શરૂ કરી દીધી છે. હવાને શુદ્ધ કરવા માટે સુરત મહાપાલિકાન ચાઈનીઝ ટેક્નોલોજી ઉપયોગ કરશે. 
 
ચીનના ઝીયાન શહેરમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે ઝીયાન શહેરમાં દુનિયાનો સૌથી ઉંચો એર પ્યૂરીફાયર ટાવર બનાવવામાં આવ્યો છે. વર્ષ 2017માં ઝીયાન શહેરના રહેવાસીઓને માત્ર 153 દિવસ જ આકાશનો ભૂરો રંગ જોવા મળ્યો હતો. વર્ષના બાકીના દિવસોમાં પ્રદૂષિત હવાને કારણે દિવસે પણ આકાશ તરફ નજર કરતાં કાળાશ જ જોવા મળી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ચીન દ્વારા આ શહેરમાં 100 ફૂટ ઉંચો ચીમની જેવા આકારનો એર પ્યૂરીફાયર ટાવર બનાવવામાં આવ્યો હતો. આ ટાવર સોલાર પાવરની મદદથી કામ કરે છે અને પ્રદૂષિત હવાને શુધ્ધ કરીને ફરીથી વાતાવરણમાં છોડે છે. આઈઆઈટી દિલ્હી અને સુરતની એસવીએનઆઈટી દ્વારા આ ટેક્નોલોજીનો સુરતમાં ઉપયોગ કરીને હવે સુરતઓને પ્રદૂષિત હવામાંથી મુક્તિ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ચીનના ઝીયાન શહેરમાં ઉભું કરવામાં આવેલું એર પ્યૂરીફાયર ટાવર 100 મીટરની ઉંચાઈ ધરાવે છે. પરંતુ સુરત માટે 24 મિટરના એર પ્યૂરીફાયર ટાવરનું આયોજન વિચારાધીન છે. તેની પહોળાઈ 10 મીટરની હશે અને 500 ચોરસ મીટર જગ્યામાં તે આકાર પામશે. ટાવરમાં નીચેના ભાગમાં લગાવવામાં આવેલા પંખા પ્રદૂષિત હવાને પોતાની અંદર ખેંચશે અને વિવિધ ફિલ્ટર્સ માંથી તેને પસાર કરી ટાવરના ઉપરના ભાગમાંથી શુધ્ધ હવા વાતાવરણમાં છેડવામાં આવશે. એક અંદાજ મુજબ આ ટાવર દરરોજ 30 હજાર ક્યૂબિક મીટર હવા શુધ્ધ કરશે. જેનો લાભ 1 લાખ લોકોને મળશે.
 
ચીનના ઝીયાન શહેરમાં ઉભા કરવામાં આવેલા વિશ્વના સૌથી પહેલાં એર પ્યૂરીફાયર ટાવરની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવનાર મિનેસોટા યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ પુઈને સુરતની મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે. તેમના તારણોને આધારે આઈઆઈટી દિલ્હી અને સુરતની એસવીએનઆઈટી દ્વારા સુરતમાં 24 મીટરની ઉંચાઈના દેશના સૌથી પહેલાં એર પ્યૂરીફાયર ટાવરનું નિર્માણ શરુ કરવામાં આવશે. સોલર પાવરની મદદથી જ ચાલનારા સુરતના ટાવરના નિર્માણ પાછળ હાલ 8 થી 12 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.