ઓર્ગેનિક શાકભાજીને નામે લોકો સાથે શું છેતરપિંડી થઈ રહી છે?

Last Modified બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (14:39 IST)

ઓર્ગેનિક શાકભાજીને નામે પણ બજારમાં ધુપ્પલ ચલાવવામાં આવી રહ્યું છે. ઔર્ગેનિક શાકભાજીને નામે સૌથી વધુ વેચાતી અને વપરાતી તાંદળજાની ભાજી અને મેથીની ભાજીમાં પણ જંતુનાશક દવાઓનું તથા હેવી મેટલ્સનું પ્રમાણ ખાસ્સું ઊંચું હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં બહાર આવ્યું છે. નવ શાકભાજીઓના કરવામાં આવેલા લેબોરેટરી પરીક્ષણમાં તેમાં મોટા પ્રમાણમાં જંતુનાશક દવાઓના અંશો અને હેવી મેટલ્સ હોવાનું બહાર આવ્યું છે. ઓર્ગેનિક શાકભાજી માટે સામાન્ય શાકભાજી કરતાં ૧૦૦૦થી ૧૨૦૦ ટકા ઊંચી કિંમત ચૂકવ્યા પછીય જોખમી જંતુનાશકોથી મુક્તિ મળતી નથી.

આમ ઓર્ગેનિક શાકભાજી લેવાથી આરોગ્ય સામેના જોખમો દૂર થઈ જતાં નથી. તાંદળજાની અને મેથીની ભાજીમાં પેરાથિઓન મિથાઈલ નામના જંતુનાશકના ઘટકો જોવા મળ્યા હતા. મેથીની નોન ઓર્ગેનિક ભાજીના સેમ્પલમાં પણ ક્લોરોપાયરિફોસ નામની જંતુનાશકોનો ઘટકો જોવા મળ્યા હતા. ક્લોરોપાયરિફોસ અને પેરાથિયોન મિથાઈલ ઓર્ગનોફોસ્ફેટ ગુ્રપના જંતુનાશકો છે. તાંદળજાની ભાજી અને મેથીની ભાજીના સેમ્પલ્સમાં હેવી મેટલનું પ્રમાણ પણ ખાસ્સું ઊંચું હોવાનું જોવા મળ્યું છે. નોન ઓર્ગેનિક ભાજીના પાંચ સેમ્પલ્સની ચકાસણી કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરની લેબોરેટરીમા કરી હતી. તેમ જ તેની સામે મેથીની ઓર્ગેનિક ભાજીના ચાર સેમ્પલ્સની ચકાસણી કરવામાં આવી હતી. તેમ જ નોન ઓર્ગેનિક તાંદળજા ને મેથીની ભાજીના બે-બે સેમ્પલ્સની જુદા જુદા પ્રકારના ૩૬ જંતુનાશકો માટે ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડમાં નક્કી કરી આપવામાં આવેલા પેરામીટર્સ પર તેની ચકાસણી કરવામાં આવી હતી. જંતુનાશકો શરીરમાં જમા થાય તો લાંબા ગાળે તેની અસર હેઠળ અસ્થમાની તકલીફ થવાની સંભાવના રહેલી છે. પેરાથિયોન મિથાઈલ નામના જંતુનાશકો ટૂંકા ગાળા માટે પણ માનવ શરીરમાં જાય તો તેને પરિણામે માથાનો દુઃખાવો, ચક્કર આવવાની, મૂંઝારો થવાની, દ્રષ્ટિમાં ઝાંખપ આવવાની તથા શ્વાસ લેવામાં તકલીફ પડવાની સમસ્યા થાય છે. બાળકો દ્વારા ખાવામાં આવતા શાકભાજી પર આ જંતુનાશક દવાનો છંટકાવ કરવા પર અમેરિકાની એન્વાયર્ન પ્રોટેક્શન એજન્સીએ પ્રતિબંધ લગાવી દીધો છે. તેવી જ રીતે ક્લોરોપાયરિફોસ નામના જંતુનાશક શરીરમાં જતાં બાળકની શીખવાની કુશળતા ઓછી થાય છે અને શરીરના એક અંગ અને બીજા અંગે વચ્ચેના સંકલન તૂટે છે. તેમ જ બાળકના વર્તનમાં તકલીફ આવે છે. હેવી મેટલ્સ શરીરમાં જવાને કારણે પાંદડાવાળા શાકભાજીઓમાં હેવી મેટલ્સ વધારે આવતા હોવાનું જોવા મળ્યું છે. તેમાં લૅડ કે શીશું હોય તો તેને કારણે બાળકોના આરોગ્ય પર બહુ જ ખરાબ અસર થાય છે. શરીરમાં શીશું જમા થાય તો તે દરેક અવયવને અસર કરે છે. લાંબા સમય સુધી થોડા થોડા પ્રમાણમાં તાંબાના ઘટકો શરીરમાં જાય તો તેને કારણે ઇન્ફર્ટિલિટીની તકલીફ પણ થાય છે. લાંબા સમય સુધી વિષારી ઘટકો શરીરમાં જાય તો તેને કારણે કેન્સર અને હૃદયના રોગ થાય છે.


આ પણ વાંચો :