સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: પાલનપુર , શુક્રવાર, 26 જુલાઈ 2024 (18:21 IST)

હવે બનાસકાંઠાના પશુપાલકો પશુઓના ગોબરમાંથી કમાણી કરશે, જાપાનની કંપની રોકાણ કરશે

banaskantha
banaskantha
 જાપાનની સુઝુકી મોટર કંપનીએ પોતાના ભાવી બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી રૂપિયા 250 કરોડના ખર્ચે બનાસ ડેરી અને એનડીડીબી સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં પાંચ બાયો સીએનજીના પ્લાન્ટ આપવાનો નિર્ણય કરી આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી.પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ સહ સ્ટેશનો ઊભા કરવા 250 કરોડથી વધુના રોકાણ કરશે. 
 
250 કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે
પશુપાલકોના પશુઓના છાણ, મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી 2019માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્રોજેક્ટથી પ્રેરાઇને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ ચાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા. હવે આ પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે અને દૈનિક પાંચ લાખની ક્ષમતા સાથેના કુલ પાંચ સીએનજી પ્લાન્ટ્સ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે. જે 2025 સુધીમાં કાર્યરત થશે. આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દીયોદર અને ડીસા ખાતે સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેક્નોલોજીકલ મળી 250 કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે.
 
વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઈન તૈયાર કરાશે
શુક્રવારે સુઝુકી કંપની, જાપાનના પ્રમુખ તોશીહીરો શાન સુઝુકી, આયુકાવા શાન, વાઇસ ચેરમેન, સુઝુકી ગ્રુપ, ⁠ટોયો ફૂંકું શાન, ડાયરેક્ટર, સુઝુકી ઇન્ડિયા સુઝુકી સહિત કંપનીના અધિકારીઓ બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તોશીહીરો સુઝુકીએ ટિમ સાથે બનાસ ડેરી ઉપરાંત દામા ખાતે આવેલા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ અંગે સુઝુકી કંપનીના ચેરમેન તોશીહીરો શાન સુઝુકીએ જણાવ્યું હતું કે, "અમારી કંપનીએ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે. સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા, NDDB અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાષિ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઈન તૈયાર કરાશે.
 
પાંચ લાખ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવશે.
આ અંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે,બનાસ ડેરી ગોબર માંથી ગોબરધનના પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતરોનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઈકોનોમી પ્રસ્થાપિત કરવા માટે આગળ વધી રહી છે. જેમાં દૈનિક પાંચ લાખ કિલો ગોબર પશુપાલકો પાસેથી ખરીદવામાં આવશે અને પાંચ લાખ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવશે. ડેરી દ્વારા  બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ગામે શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટ્સની જિલ્લામાં સ્થાપના કરાશે.