શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (13:16 IST)

મગફળીકાંડમાં ભાજપની ખરડાતી ઈમેજ બચાવવા ડેમેજ કન્ટ્રોલ

ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ પ્રકાશમાં આવ્યા બાદ મગફળીના મેગા કૌભાંડથી રાજકારણ ગરમાયું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મુકવામાં આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઈ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી. જામજોધપુર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. દરમિયાન માહિતી અનુસાર જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રૂપિયાની મગફળી વેચી હતી જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ થઈ હોવાથી સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામાં આવી છે.