શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (11:56 IST)

HDFC બેંકના નવા MD અને CEO તરીકે શશીધર જગદીશનની નિમણૂકને મંજૂરી

રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તરીકે શશીધર જગદીશનની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. 27 ઑક્ટોબર, 2020થી શરૂ કરી આ નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવી છે અને તે બેંકના બૉર્ડ અને શૅરધારકોની મંજૂરીને આધિન રહેશે. બેંકના પ્રારંભથી તેની આગેવાની કરનારા ખ્યાતનામ મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરી 26 ઑક્ટોબર, 2020ના રોજ નિવૃત્ત થઈ રહ્યાં છે.
 
એચડીએફસી બેંક લિમિટેડના ચેરપર્સન શ્યામલા ગોપિનાથે જણાવ્યું હતું કે, ‘શશીમાં આઇક્યૂ અને ઇક્યૂનું એક દુર્લભ સંયોજન છે. લોકો સાથેના મજબૂત જોડાણની સાથે બિઝનેસ અંગેની તેમની ઊંડી સૂઝને જોતાં અમને વિશ્વાસ છે કે, તેઓ બેંકને નવી ઊંચાઇઓ પર લઈ જશે. મારી શુભેચ્છાઓ હંમેશા તેમની સાથે છે.’
 
એચડીએફસી બેંક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ જણાવ્યું હતું કે, ‘હું શશીને તેમની નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવું છું. તેઓ આ બેંકની મૂળભૂત પ્રકૃતિ, સંસ્કૃતિને ખૂબ સારી રીતે સમજે છે. અમારા સહજ સામર્થ્ય અને હવે શશીની આગેવાનીને જોતાં મને લાગે છે કે, બેંક હજુ ઘણી મોટી સિદ્ધીઓ હાંસલ કરશે.’
 
જગદીશનએ જણાવ્યું હતું કે, ‘હું ખૂબ જ અનુગ્રહી છું. હું સંપૂર્ણપણે સ્વીકારું છું કે, શ્રી પુરીના પેગડામાં પગ નાંખવો એ ખૂબ મોટો પડકાર છે. પરંતુ મને વિશ્વાસ છે કે, મારા મિત્રો, બૉર્ડ, અન્ય હિસ્સેદારો અને ઇશ્વરના આશીર્વાદથી પુરી, બૉર્ડ અને નિયામકે મારામાં મૂકેલા વિશ્વાસ પર હું ખરો ઉતરી શકીશ. આ બેંકના સમૃદ્ધ વારસાને આગળ વધારવામાં હું કોઈ કસર નહીં છોડું.’
 
મિત્રો અને સહકર્મચારીઓમાં શશી તરીકે ઓળખાતા જગદીશન વર્ષ 1996માં આ બેંકમાં જોડાયા હતા અને ત્યારથી તેમણે તેના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. ફાઇનાન્સ વિભાગમાં મેનેજર તરીકે શરૂઆત કરનારા શ્રી શશીએ અનેકવિધ ભૂમિકાઓ ભજવી પોતાના સામર્થ્યમાં ઉત્તરોત્તર વધારો કર્યો હતો. વર્ષ 1999માં તેઓ બિઝનેસ હેડ - ફાઇનાન્સ બન્યાં હતા અને વર્ષ 2008માં તેઓ બેંકના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર બન્યાં હતા. 
 
તો વર્ષ 2019માં તેમની નિમણૂક ‘ચેન્જ એજન્ટ ઑફ ધી બેંક’ તરીકે કરવામાં આવી હતી તથા તેમને લીગલ અને સેક્રેટરીયલ, માનવ સંસાધન, કૉર્પોરેટ કમ્યુનિકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડમિનિસ્ટ્રેશન તથા સીએસઆર જેવી વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. 
 
જગદીશન કુલ 30 વર્ષનો અનુભવ ધરાવે છે, જેમાંથી તેમની કારકિર્દીના 24 વર્ષ એચડીએફસી બેંકમાં પસાર થયાં છે. એચડીએફસી બેંકની પહેલાં તેઓ 3 વર્ષના ગાળા માટે ડચીઝ બેંક, એજી, મુંબઈમાં હતા. 
 
જગદીશન મુંબઈ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના સ્નાતક છે અને એક પાત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ ઉપરાંત તેઓ યુકેની યુનિવર્સિટી ઑફ શેફીલ્ડમાંથી ઇકોનોમિક્સ ઑફ મની, બેંકિંગ અને ફાઇનાન્સમાં માસ્ટર્સની ડિગ્રી પણ ધરાવે છે.