1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 માર્ચ 2022 (12:59 IST)

સીંગતેલના ભાવમાં વધારો થતા ગાંઠિયાના ભાવમાં 40 રૂપિયાનો થયો વધારો

કોરોનાથી કરવામાં આવેલા લોકડાઉનના મારમાંથી હજુ બેઠાં થવાયું નથી ત્યાં જીવન ઉપયોગી તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારાથી તમામ રીતે બજેટ ખોરવાઈ ગયું છે. સિંગતેલ, કપાસિયા તેલ સહિત ખાદ્યતેલના ભાવમાં વધારો થવાની અસર દરેક ફરસાણ પર થઈ છે. પણ સૌરાષ્ટ્રમાં આ ભાવ વધારો સીધો પહેલા ગાંઠિયાની ડીશને અસર કરે છે. 
 
ગુજરાતીઓ સવારે ચા સાથે ગાંઠિયા-ફાફડા ખાવાના શોખીન હોય છે અને તેમા પણ સૌરાષ્ટ્રવાસીઓના રવિવારની શરૂઆત સવારે ગાંઠિયાથી થાય છે. પણ હવે દર રવિવારે ગાંઠિયા ખાવા નહીં પોસાય. ખાસ કરીને રાજકોટની સ્વાદપ્રેમી જનતાએ હવેથી ગાંઠિયા ખાવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. કારણ કે સિંગતેલમાં ભાવ વધારો થતા ગાંઠિયાના ભાવમાં રૂ. 40નો સીધો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
 
હવે ગાંઠિયા રૂ.360થી 400ના કિલો થયા છે. એટલે હવે સવારે ગરમાગરમ ગાંઠિયા ખાવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. મધ્યમવર્ગની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય માણસની કમર આર્થિક રીતે હવે તૂટવા પર છે.  ગુજરાતી થાળીમાં ફરસાણ વગર ન ચાલે. એટલે આ એક વાનગીમાં ભાવ વધારાથી કાઠિયાવાડી થાળી પણ મોંઘી થાય એવી પૂરી સંભાવના છે.